વેપાર

ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને આયાતકારોની ડૉલરમાં છૂટીછવાઈ લેવાલી રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના ઘટાડા સાથે 90.66ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશ તેમ જ બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.61ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 90.69ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.79 અને ઉપરમાં 90.60ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસા ઘટીને 90.65ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 17 પૈસાનો ઉછાળો નોંધાયો હતો.

આઈએફએ ગ્લોબલ રિસર્ચે તેની એક નોટ્સમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની માઠી અસર તમામ ઉદ્યોગ પર પડે તેવી શક્યતા વ્યક્ત કરતાં એકંદરે વૈશ્વિક બજારોમાં જોખમી પરિબળો વધવાની ભીતિ સપાટી પર આવતા રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.10 ટકા વધીને 97.01 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 1048.16 પૉઈન્ટ અને 336.10 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યા હોવાથી રૂપિયો નરમ પડ્યો હતો.

જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 104.42 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ અને આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.04 ટકા ઘટીને બેરલદીઠ 67.49 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button