ડૉલરમાં આયાતકારોની માગ અને ક્રૂડતેલના ભાવ વધતાં રૂપિયો 12 પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આયાતકારોની ડૉલરમાં લેવાલી ઉપરાંત ભૂરાજકીય તણાવ સપાટી પર આવતાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો અને ગઈકાલના બંધ સામે 12 પૈસાના ઘટાડા સાથે 90.68ના મથાળે બંધ રહ્યો હતો.
ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશને કારણે રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હતો.
આપણ વાચો: બેતરફી વધઘટને અંતે ડૉલર સામે રૂપિયો એક પૈસો નરમ
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.56ના બંધ સામે ભાવ ટૂ ભાવ 90.56ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.75 અને ઉપરમાં 90.46 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 12 પૈસાના ઘટાડા સાથે 90.68ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 10 પૈસાનો સુધારો આવ્યો હતો.
એકંદરે આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવવાની સાથે આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે અમેરિકાના નોન ફાર્મ પૅરૉલના અને રિટેલ વેચાણના ડેટાની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સ દબાણ હેઠળ રહ્યો હોવાથી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 69.45 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
આપણ વાચો: રિઝર્વ બૅન્કના સંભવિત હસ્તક્ષેપે ડૉલર સામે રૂપિયો 27 પૈસા ઊંચકાયો
વધુમાં એક ફોરેક્સ ટ્રેડરે જણાવ્યું હતું કે ગઈકાલે અમેરિકાએ ભારત-અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલની ફેક્ટ શીટની જાહેરાત કરી હતી તેને બજારે સત્રના આરંભે આવકારી હતી, પરંતુ ત્યાર બાદ ભારતે અમેરિકી ઔદ્યોગિક ઉત્પાદનોની અને અમેરિકી ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની આયાત જકાતમાં ઘટાડો કરશે એવા નિર્દેશો મળતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો.
નોંધનીય બાબત એ છે કે ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો જેમાં ડ્રાય ડિસ્ટિલિયરી અનાજ, લાલ જુવાર, ટ્રી નટ્સ, તાજા અને પ્રોસેસ્ડ થયેલાં ફળો, અમુક કઠોળ, સોયાબીન તેલ, વાઈન-દારૂ અને સ્પિરિટ્સ જેવાં અમેરિકી ઉત્પાદનો ખરીદવા ભારત તૈયાર થયું હોવાનો ઉલ્લેખ હતો.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.26 ટકા ઘટીને 96.54 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.44 ટકા વધીને બેરલદીઠ 69.78 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 40.28 પૉઈન્ટનો ઘટાડો અને 18.70 પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હોવાના અહેવાલ હતા.



