ડૉલર સામે રૂપિયામાં આરંભિક સુધારો ધોવાઈને અંતે 31 પૈસા તૂટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી બેઠકના અંતે વ્યાજદર જાળવી રાખવાનો નિર્ણય લીધાનાં પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર ઈન્ડેક્સની સાધારણ નરમાઈ સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આરંભિક તબક્કે ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે 16 પૈસા જેટલો સુધારો જોવા મળ્યો હતો.
જોકે, ત્યાર બાદ અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટની અનિશ્ચિતતા સપાટી પર આવતા ક્રૂડ તેલના વાયદામાં જોવા મળેલો ઉછાળો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2150.51 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે રૂપિયો ગઈકાલના બંધ સામે 31 પૈસાના ઘટાડા સાથે 90.65ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.34ના બંધ સામે સુધારા સાથે 90.28ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 90.18 અને નીચામાં 90.83 સુધી ગબડ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 31 પૈસાના ઘટાડા સાથે 90.65ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં 13 પૈસાનો સુધારો આવ્યો હતો.
આપણ વાચો: રિઝર્વ બૅન્કના સંભવિત હસ્તક્ષેપે ડૉલર સામે રૂપિયો 27 પૈસા ઊંચકાયો
રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે બજારની અપેક્ષાનુસાર રિપો રેટ 5.25 ટકાના સ્તરે જાળવી રાખ્યો હોવાથી મધ્ય સત્ર દરમિયાન રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ ત્યાર બાદ અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટોની અનિશ્ચિતતાને કારણે ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા રૂપિયામાં સુધારો ધોવાયો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આંતરપ્રવાહના આશાવાદના ટેકે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં 90.40થી 91.20 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.38 ટકા વધીને બેરલદીઠ 68.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ડૉલર ઈન્ડેક્સ સાધારણ 0.01 ટકા ઘટીને 97.81 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 266.47 પૉઈન્ટનો અને 50.90 પૉઈન્ટનો સુધારો આવ્યાના અહેવાલ હતા.



