ડૉલર સામે રૂપિયો વધુ 11 પૈસા ઊંચકાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ અને વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ બેરલદીઠ 60 ડૉલરની અંદર પ્રવર્તી રહ્યા હોવાથી આજે સતત બીજા સત્રમાં ડૉલર સામે રૂપિયો વધુ 11 પૈસા ઊંચકાઈને 90.27ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.38ના બંધ સામે સાધારણ સુધારા સાથે 90.35ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.45 અને ઉપરમાં 90.04 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 11 પૈસાના સુધારા સાથે 90.27ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં પંચાવન પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું.
આપણ વાચો: ડૉલર સામે રૂપિયો વધુ 16 પૈસા ધોવાઈને નવા તળિયે
એકંદરે છેલ્લા બે સત્રથી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા ગબડતા રૂપિયાને અટકાવવા માટે ડૉલર વેચી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ, વિલંબિત થઈ રહેલી ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ અને ક્રૂડતેલ તથા ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા રૂપિયો દબાણ હેઠળ આવે તેવી શક્યતા નકારી ન શકાય આથી અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 90થી 90.60 આસપાસની રેન્જમાં રહે તેમ જણાય છે.
વધુમાં આજે ટાઈમ્સ નેટવર્ક ઈન્ડિયા ઈકોનોમિક કોન્ક્લેવ 2025 દરમિયાન વડા પ્રધાનની ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલનાં સભ્ય સંજીવ સન્યાલે જણાવ્યું હતું કે વર્ષ 1990થી રૂપિયાને બજારના પરિબળોને આધીન તરતો મૂકવામાં આવ્યો છે અને રૂપિયામાં ભારે ચંચળતા અટકાવવા માટે રિઝર્વ બૅન્ક હસ્તક્ષેપ માટે સ્વતંત્રપણે નિર્ણય લે છે. ભારતનો આર્થિક વૃદ્ધિદર મજબૂત હોવાથી મને રૂપિયાની નબળાઈની બિલકુલ ચિંતા નથી.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.16 ટકા વધીને 98.52 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના ઘટ્યા મથાળેથી 0.35 ટકા વધીને બેરલદીઠ 59.89 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 77.84 પૉઈન્ટ અને ત્રણ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1171.71 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.



