ડૉલર સામે રૂપિયામાં 17 પૈસાનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં શરૂ થયેલી છૂટીછવાઈ લેવાલી સાથે ટ્રેડરોની માનસિકતામાં આવેલા બદલાવ ઉપરાંત આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો 19 પૈસના ઉછાળા સાથે 90.61ની સપાટીએ બંધ રહ્યો હતો. વધુમાં રિઝર્વ બૅન્કે બૅન્કિંગ યંત્રણામાં પ્રવાહિતા જળવાઈ રહેવાની બાંયધરી આપી હોવાને કારણે પણ રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.78ના બંધ સામે સુધારાના અન્ડરટોને 90.55ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.65 અને ઉપરમાં 90.40ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 17 પૈસા વધીને 90.61ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા ગબડ્યો હતો.
ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું કે અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલની અમેરિકાએ જાહેર કરેલી ફેક્ટ શીટને આરંભિક તબક્કે બજારે આવકાર આપ્યો હતો, પરંતુ ત્યાર બાદ ભારત અમેરિકી ઔદ્યોગિક ઉત્પાદનો અને ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પરની આયાત જકાતમાં ઘટાડો કરશે અથવા ડ્યૂટી દૂર કરશે એવા નિર્દેશો મળતાં બજારમાં ચિંતા વ્યાપી હતી.
જોકે, ગઈકાલે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતે સંવેદનશીલ ચીજોના વેપાર બાબતે બહુ સ્પષ્ટતા સાથે વાટાઘાટ કરી છે અને વચગાળાના કરારમાં મુખ્ય સેગ્મેન્ટોનાં હિતો જાળવવામાં આવ્યા છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.04 ટકા ઘટીને 96.79 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.29 ટકા ઘટીને બેરલદીઠ 69.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 943.81 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. તેમ છતાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 558.72 પૉઈન્ટનો અને 146.65 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



