ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને નિકાસકારોની ડૉલરમાં વેચવાલીએ રૂપિયો 53 પૈસા ઉછળીને 90ની અંદર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ફોરેક્સ માર્કેટમા આજે મુખ્યત્વે નિકાસકારોની ડૉલરમાં નીકળેલી વેચવાલી ઉપરાંત વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ બેરલદીઠ 60 ડૉલરની અંદર પ્રવર્તી રહ્યાના નિર્દેશો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 595.78 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા આજે ડૉલર સામે રૂપિયો 53 પૈસા ઉછળીને ફરી 90ની સપાટીની અંદર 89.67ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે તાજેતરમાં ડૉલર સામે રૂપિયો વિક્રમ સપાટીએ ગગડી ગયો હોવાથી વર્તમાન સપ્તાહમાં રિઝર્વ બૅન્કનો પણ હાજર બજારમાં હસ્તક્ષેપ જોવા મળ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.20ના બંધ સામે સુધારાના અન્ડરટોને 90.19ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.30 અને ઉપરમાં 89.25 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે પંચાવન પૈસાની તેજી સાથે 89.65ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 18 પૈસા વધીને બંધ રહ્યો હતો, જ્યારે ગત મંગળવારે સૌપ્રથમ વખત રૂપિયાએ 91ની વિક્રમ સપાટી કુદાવી હતી.
આપણ વાચો: ક્રૂડતેલના ભાવ ઘટતાં આયાતકારોની અને બૅન્કોની ડૉલરમાં વેચવાલી નીકળતાં રૂપિયામાં 50 પૈસાનું બાઉન્સબૅક
એકંદરે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા ઘટાડા ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આજે સતત ત્રીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
તાજેતરમાં વિદેશી રોકાણકારોની વેચવાલીના દબાણ અને અમેરિકા-ભારત વચ્ચેની ટ્રેડ ડીલ વિલંબમાં મુકાઈ હોવાથી નજીકના ભવિષ્યમાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા છે. તેમ છતાં એકંદરે ડૉલર ઈન્ડેક્સમાં અને ક્રૂડતેલના ભાવમાં નરમાઈનું વલણ રૂપિયાને ટેકો આપે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયો 89.90થી 90.50ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 447.55 પૉઈન્ટનો અને 150.85 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.37 ટકા ઘટીને બેરલદીઠ 59.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.24 ટકા વધીને 98.66 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



