આ સપ્તાહે વેપાર વાટાઘાટ માટે ભારતીય પ્રતિનિધિમંડળ અમેરિકા જશે | મુંબઈ સમાચાર
વેપાર

આ સપ્તાહે વેપાર વાટાઘાટ માટે ભારતીય પ્રતિનિધિમંડળ અમેરિકા જશે

નવી દિલ્હીઃ આ સપ્તાહે અમેરિકા સાથેનાં પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની વાટાઘાટ માટે ભારતીય વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ અમેરિકાની મુલાકાત લેશે, એમ આજે એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

આ વર્ષે ગત ફેબ્રુઆરી મહિનામાં બન્ને દેશોનાં અગ્રણીઓએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની વાટાઘાટો માટે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો અને વર્ષ 2025ના ઑક્ટોબર-નવેમ્બર મહિના સુધીમાં કરારના પહેલા તબક્કાને અંતિમ ઑપ આપવાની યોજના રાખી હતી. જોકે, અત્યાર સુધીમાં વાટાઘાટોના પાંચ તબક્કા અથવા તો રાઉન્ડ થયા છે. તેમ જ આ સપ્તાહે ભારતીય ટીમ અમેરિકાની મુલાકાત લેનાર હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.

નોંધનીય બાબત એ છે કે ગયા મહિને વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાનાં પ્રધાનનાં વડપણ હેઠળ અધિકારીઓએ વાટાઘાટ માટે ન્યૂ યોર્કની મુલાકાત લીધી હતી. તેમ જ બેઠક પશ્ચાત્‌‍ ભારત અને અમેરિકાએ બન્ને દેશોને લાભકારી થાય તેવા દ્વિપક્ષીય કરાર માટે વાટાઘાટ ચાલુ રાખવાનો નિર્ણય લેવા સહમત થયા હતા. તેમ જ બન્ને પક્ષો તરફથી વેપારનાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વાણિજ્ય પ્રધાનની આ મુલાકાત દરમિયાન યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર) જેમિસન ગ્રીર અને ભારત ખાતેના અમેરિકી રાજદૂત સેરિગો ગોર સાથે બેઠક થઈ હતી.

અમેરિકાએ ભારતથી થતી આયાત સામે 25 ટકા રેસિપ્રોકલ ટૅરિફ લાદવા ઉપરાંત ભારતની રશિયાથી થઈ રહેલી ક્રૂડ તેલની ખરીદીના વિરોધમાં 25 ટકા અતિરિક્ત ટૅરિફ લાદવામાં આવી હોવાથી હાલ ભારતથી થતી આયાત સામે અમેરિકાએ કુલ 50 ટકા ટૅરિફ લાદી હોવાથી આ વાટાઘાટો અત્યંત મહત્ત્વની છે.

કરાર અંતર્ગત આગામી વર્ષ 2030 સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર જે હાલ 191 અબજ ડૉલરના સ્તરે છે તે વધારીને 500 અબજ ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ 2024-25 સુધીમાં છેલ્લાં ચાર વર્ષથી અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ રહ્યો છે અને વર્ષ 2024-25માં 131.84 અબજ ડૉલર (86.5 અબજ ડૉલરની નિકાસ)નો દ્વિપક્ષીય વેપાર થયો હતો. તેમ જ ભારતની કુલ 10.73 ટકા મર્કન્ડાઈઝ ગૂડ્સની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 18 ટકા અને આયાતમાં 6.22 ટકા હિસ્સો રહ્યો હતો.

આ પણ વાંચો…અમેરિકા-ચાઈના ટ્રેડ વૉરથી ભારતીય નિકાસકારોને લાભ થવાની શક્યતાઃ નિષ્ણાતો

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button