ટૅરિફ હવે હથિયાર બન્યા, ભારત વૈશ્વિક દબાણ સામે નમશે નહીંઃ ચૌહાણ | મુંબઈ સમાચાર
વેપાર

ટૅરિફ હવે હથિયાર બન્યા, ભારત વૈશ્વિક દબાણ સામે નમશે નહીંઃ ચૌહાણ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે હવે વેપાર અને ટૅરિફ હથિયાર બની ગયા છે ત્યારે અસ્થિર ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે ભારત તેનાં રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન કરશે નહીં, એમ કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવતા ઉમેર્યું હતું કે આપણે વૈશ્વિક બજારો પર આધાર રાખ્યા વિના દેશની ખાદ્ય સલામતીને વધુ મજબૂત બનાવવી જોઈએ.
અત્રે પંજાબ હરિયાણા ડેવલોપમેન્ટ ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીઝ (પીએચડી ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીઝ)ની 120મી વાર્ષિક સામાન્યસભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી છે કે ભારત વૈશ્વિક ભાઈચારામાં માને છે અને તેને વિશ્વની ચિંતા હોવા છતાં દેશનું હિત સર્વોપરી છે.

હાલના તબક્કે અસ્થિર ભૂરાજકીય સ્થિતિ વચ્ચે જ્યાં રાષ્ટ્રો એકબીજાં સાથે લડી રહ્યાં છે અને વેપાર તથા ટૅરિફને શસ્ત્રો તરીકે ગણીને મનસ્વી મુજબ વિશ્વ પર રાજ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં ભારતે પોતાનો માર્ગ પસંદ કરવો પડશે. આપણે કોઈના પણ દબાણ હેઠળ આવ્યા વિના દેશના હિતનું રક્ષણ કરવું આપણી ફરજ છે અને તે વૈશ્વિક શાંતિ માટે જરૂરી હોવાથી ભારત જેવા જવાબદાર દેશે આગળ આવવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: વર્ષ 2026માં વૈશ્વિક અર્થતંત્ર નબળું પડશે, અમેરિકી ટૅરિફને કારણે ભારત સામે વધુ પડકારોઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશની અંદાજે 46 ટકા વસતી તેના જીવનનિર્વાહ માટે ખેતી/કૃષિ સાથે સીધી રીતે સંકળાયેલી હોવાથી અન્ય દેશો પર આધાર ઘટાડવાના સઘન પ્રયાસો થવા જોઈએ. હાલની સ્થિતિમાં ખાદ્ય ચીજો માટે વિશ્વ બજાર પર આધાર ન રાખવો જોઈએ અને આપણે આત્મનિર્ભર થવું જોઈએ એમ તેમણે કહ્યું હતું.

તેમણે જૂની યાદ તાજી કરતાં કહ્યું હતું કે પીએલ 480 કાર્યક્રમ હેઠળ ભારતે અમેરિકી ખાદ્ય સહાય પર નિર્ભર રહેવું પડતું હતું. તેમ જ ભૂતકાળમાં વડા પ્રધાને લોકોને અઠવાડિયામાં એક વખત ઉપવાસ રાખવાનું કહેવું પડતું હતું, પરંતુ હવે 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે અને સરકારી ગોદામ ઘઉં અને ચોખાથી ભરેલા છે. જોકે, ખાદ્ય સલામતી અને ખેડૂતોની આવકની બાંયધરી માટે કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા પર તેમણે ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: ઊંચા ટૅરિફને કારણે અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડોઃ જીટીઆરઆઈ

દેશમાં ઉત્પાદકતા વધારવા માટે સરકાર છ મુખ્ય ક્ષેત્રો પર કાર્ય કરી રહી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે આપણું ઘઉં અને ચોખાનું ઉત્પાદન વૈશ્વિક સરેરાશ પ્રમાણે છે, પરંતુ કઠોળ અને તેલીબિયાંમાં આપણે પાછળ છીએ અને તેમાં આત્મનિર્ભર થવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર) સારી ક્વૉલિટીના બિયાંરણ વિકસાવી રહી છે. જોકે, જિનેટિકલી મોડિફાઈડ પાકને ભારતમાં મંજૂરી નથી આપવામાં આવી આથી સફળતાપૂર્વક હાઈબ્રિડ બિયાંરણ વિકસાવવા જિનોમ એડિટિંગ પદ્ધતિ અપનાવવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button