આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ગત સાલ કરતાં વધીને 11.794 કરોડ ટન થવાની શક્યતાઃ કૃષિ મંત્રાલય

નવી દિલ્હીઃ વર્તમાન રવી મોસમમાં ઘઉંના વાવેતર વિસ્તારમાં વધારો અને પાકની સ્થિતિ પણ એકંદરે સારી હોવાથી ઘઉંનું ઉત્પાદન ગત સાલ કરતાં વધીને 11.794 કરોડ ટન થવાની શક્યતા કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વ્યક્ત કરી હતી.
હાલમાં ઘઉંના પાકની સ્થિતિ સારી છે અને અત્યાર સુધી પાકને કોઈ મોટી માત્રામાં નુકસાન થયું નથી આથી ઉત્પાદન પણ ગત સાલ કરતાં સારુ રહે તેમ જણાય છે, એમ અત્રે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચર રિસર્ચ (આઈસીએઆર)નાં ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમ પશ્ચાત્ તેમણે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું.
આપણ વાચો: ભારતને ધમકી આપવાની અમેરિકાની જૂની ટેવ: જાણો ક્યારે આપી કેવી ધમકી
આઈસીએઆરના ડિરેક્ટર જનરલ એમ એલ જાટે પણ જણાવ્યું હતું કે ઘઉંનો વાવેતર વિસ્તાર 3.2 કરોડ હેક્ટરની સપાટી પાર કરી ગયો છે અને પાકની સ્થિતિ પણ સારી છે. હાલના તબક્કે તો પાકની સ્થિતિ ઘણી સારી છે અને જો ભવિષ્યમાં આ સ્થિતિ જળવાઈ રહે તો ઘઉંનું ઉત્પાદન 12 કરોડ ટન આસપાસ થઈ શકે છે.
વર્તમાન રવી મોસમમાં ગત બીજી જાન્યુઆરી સુધીમાં દેશમાં ઘઉંનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 3.28 કરોડ હેક્ટર સામે વધીને 3.341 કરોડ હેક્ટર રહ્યો હોવાનું કૃષિ મંત્રાલયે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ઘઉંના કુલ વાવેતર પૈકી 73 ટકા વાવેતર પ્રતિકૂળ હવામાનનો સામનો કરી શકે તેવી અને ફોર્ટિફાઈડ વેરાઈટીનાં બિયારણનું વાવેતર થયું છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે ઘઉંના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજો ક્રમાંક ધરાવે છે અને રવી વાવેતરમાં ઘઉંની ગણના મુખ્ય રવી પાક તરીકે થાય છે. દેશમાં ઘઉંનું વાવેતર લગભગ પૂર્ણ થઈ ગયું છે અને આગામી માર્ચ મહિનામાં લણણી થશે.



