વેપાર

અમેરિકા સાથેના વેપારમાં ભારતીય ગાર્મેન્ટ્સને બાંગ્લાદેશની સમકક્ષ લાભ મળશેઃ ગોયલ

નવી દિલ્હીઃ અમેરિકા સાથે થયેલા વેપાર કરાર હેઠળ અમેરિકી યાર્ન અને રૂથી બનાવાયેલા ગાર્મેન્ટ્સ પર રાહતના દરની ડ્યૂટી અમલી થશે તેમ જ અમેરિકા સાથેના વેપારમાં બાંગ્લાદેશની સમકક્ષ જ ભારતને પણ લાભ મળશે, એમ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે અમેરિકાએ બાંગ્લાદેશી માલ-સામાન પરની રેસિપ્રોકલ ટૅરિફ ઘટાડીને 19 ટકા કરી છે, પરંતુ અમેરિકી રૂ અને મેનમેડ ફાઈબરથી બનાવાયેલા ગાર્મેન્ટ્સ પર ડ્યૂટી શૂન્યના સ્તરે રાખવામાં આવી છે. હાલમાં બાંગ્લાદેશી ગાર્મેન્ટ્સ પર 31 ટકા (12 ટકા પસંદગીના રાષ્ટ્રો પરની ટૅરિફ અને 19 ટકા રેસિપ્રોકલ ટૅરિફ) ટૅરિફ અમલી છે. આથી જો તેઓ અમેરિકી ફાઈબરનો ઉપયોગ કરશે તો ડ્યૂટી 12 ટકા રહેશે.

બાંગ્લાદેશને જે મળ્યુ એ ભારતને પણ અંતિમ કરારમાં મળશે, એમ ગોયલે પત્રકાર વર્તુળોને જણાવતા ઉમેર્યું હતું કે જો કોઈ ભારતીય કંપની અમેરિકાથી યાર્ન અને રૂની ફોરવર્ડમાં આયાત કરે, વસ્ત્રો બનાવે અને તેની પુનઃ અમેરિકામાં નિકાસ કરે તો આવા ગાર્મેન્ટ્સને બાંગ્લાદેશની જેમ જ અમેરિકામાં ડ્યૂટીમુક્ત પ્રવેશ મળશે. આ મુદ્દો અમેરિકા-બાંગ્લાદેશ વચ્ચેના કરારમાં પણ છે અને આપણા કરારમાં પણ છે. આથી તેની દેશના કપાસના ખડૂતો પર કોઈ અસર નહીં થાય.

ઉલ્લેખનીય બાબત એ છે કે કે અમેરિકામાં રૂનું ઉત્પાદન ઓછું થાય છે, તેની નિકાસ માત્ર 50 લાખ ડૉલરની છે અને લક્ષ્યાંક 50 અબજ ડૉલરનો રાખવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે પહેલા તબક્કાના દ્વીપક્ષીય કરારનું ફ્રેમવર્ક થઈ ગયું છે અને તેનો અમલ માર્ચમાં થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

ગઈકાલે વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં ભારતે દેશની વીજ સલામતી અમેરિકાને સોપી દીધી છે અને ખેડૂતોના હિત સાથે પણ સમાધાન કરવામાં આવ્યું છે. આથી આવા સંજોગોમાં ગોયલનું આ નિવેદન મહત્ત્વ ધરાવે છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button