ભારત-યુએઈની કરાર હેઠળ બજાર એક્સેસ, ડેટા શૅરિંગ જેવી બાબતો પર ચર્ચા

નવી દિલ્હીઃ ભારત અને યુએઈએ દ્વીપક્ષીય આર્થિક જોડાણો મજબૂત કરવા માટે બજાર એક્સેસ, ડેટા શૅરિંગ, , સોનાની આયાત માટેના ક્વૉટાની ફાળવણી, એન્ટિ ડમ્પિંગ અને સર્વિસીસ જેવાં મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનું વાણિજ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું .
ભારત-યુએઈ વચ્ચેનાં કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઈપીએ) અર્થાત એક પ્રકારના મુક્ત વેપાર કરાર માટેની યોજાયેલી સંયુક્ત સમિતિ (જોઈન્ટ કમિટી)ની બેઠકમાં ઉપરોક્ત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આપણ વાચો: અમેરિકા ખાતે નિકાસ ઘટતાં, ભારતે નિકાસ વિકેન્દ્રિત કરીઃ એસબીઆઈ રિસર્ચ
બેઠકમાં બન્ને પક્ષોએ સીઈપીએની પ્રગતિની વ્યાપક સમીક્ષા કરવાની સાથે બજાર એક્સેસનાં મુદ્દાઓ, ડેટાની આપસમાં વહેંચણી અથવા તો ડેટા શૅરિંગ, સોનાની આયાત માટેના ટૅરિફ રેટ ક્વૉટા, એન્ટિ ડમ્પિંગની બાબતો, સેવાઓ, ઓરિજિન અંગેના નિયમો અને બિસ (બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)નાં લાઈસન્સિંગના વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું વાણિજ્ય મંત્રાલયે ઉમેર્યું હતું.
ભારતીય પક્ષ તરફથી પારદર્શક સ્પર્ધાત્મક બોલી પ્રક્રિયા દ્વારા ટૅરિફ રેટ ક્વૉટા ફાળવવાના તેના તાજેતરના નિર્ણય અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
તેમ જ બન્ને પક્ષોએ ફાર્માસ્યુટિકલ્સમાં નિયમનકારી સહયોગ વધારવા સર્ટિફિકેટ ઑફ ઓરિજિન સંબંધિત મુદ્દાઓનું નિરાકરણ લાવવા અને અપેડા (એગ્રિકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઑથૉરિટી) તથા યુએઈની મિનિસ્ટ્રી ઑફ ક્લાઈમેટ ચેન્જ ઍન્ડ એન્વાયારન્મેન્ટ વચ્ચે ખાદ્યાન્નની સલામતી માટે ટેક્નિકલ આવશ્યકતા માટે વહેલી તકે સમજૂતી કરાર કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
નોંધનીય બાબત એ છે કે ગત નાણાકીય વર્ષમાં ભારત અને યુએઈ વચ્ચેનો દ્વીપક્ષીય વેપાર આગલા નાણાકીય વર્ષની સરખામણીમાં 19.6 ટકા વધીને 100 અબજ ડૉલરની સપાટીએ પહોંચ્યો હતો. જોકે, બન્ને દેશોએ આગામી વર્ષ 2030 સુધીમાં તેલ અને કિંમતી ધાતુઓ સિવાયનો દ્વિપક્ષીય વેપારનો આંક 100 અબજ ડૉલરની સપાટીએ પહોંચાડવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.



