ભારત અને યુએઈ વચ્ચે વેપાર, રોકાણ, બૅન્કની બાબતો પર આજથી બે દિવસીય વાટાઘાટ | મુંબઈ સમાચાર
વેપાર

ભારત અને યુએઈ વચ્ચે વેપાર, રોકાણ, બૅન્કની બાબતો પર આજથી બે દિવસીય વાટાઘાટ

નવી દિલ્હીઃ દેશનાં વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલની અખાતી દેશોની મુલાકાત દરમિયાન આજે અને આવતીકાલે એમ બે દિવસ દરમિયાન યુએઈ સાથે દ્વીપક્ષીય કરારની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવશે જેમાં મુખ્યત્વે ડબલ ટેક્સેશન સંધી અને કેન્દ્રવર્તી બૅન્કો બાબતે તથા રોકાણ અંગે ચર્ચા કરવામાં આવશે, એમ એક અધિકૃત યાદીમાં જણાવાયું છે.

ગોયલની 18-19 સપ્ટેમ્બરની યુનાઈટેડ આરબ અમિરાતની મુલાકાતે છે, જ્યાં તેઓ આબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઑથૉરિટીનાં મેનેજિંગ ડિરેક્ટર શેખ હામેદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે રોકાણ માટેનાં 13માં ભારત-યુએઈ હાઈ લેવલ ટાસ્ક ફોર્સના સહ અધ્યક્ષ તરીકે સેવા આપશે.

આ બેઠકમાં ભારત-યુએઈ વચ્ચેનાં કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટર્નરશિપ એગ્રીમેન્ટ (સીઈપીએ)ની સમીક્ષા કરવા ઉપરાંત ડબલ ટેક્સેશન ટ્રીટી અથવા તો સંધી અને ભારત તથા યુએઈની કેન્દ્રવર્તી બૅન્કોની બાબતો અંગે ચર્ચા કરશે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે યાદીમાં જણાવ્યું છે. આ બેઠકમાં બન્ને પક્ષો મજબૂત વૃદ્ધિની સંભાવના હોય તેવા દરિયાઈ અને અવકાશી સહિતનાં મુખ્ય ક્ષેત્રોમાં રોકાણની નવી તકો ખોળશે.

વધુમાં આ મુલાકાત દરમિયાન તેઓ યુએઈ-ભારત બિઝનૅસ કાઉન્સિલ રાઉન્ડ ટેબલનું પણ સહ અધ્યક્ષપદ સંભાળશે જે યુએઈનાં વિદેશ વેપાર પ્રધાન થાની બિન અહમદ અલ ઝેયોદી સાથે અને યુએઈની કંપનીઓ સાથે હશે. તેમ જ તેઓ અગ્રતાક્રમનાં ક્ષેત્રોમાં વેપાર, રોકાણ અને સહકાર મજબૂત કરવા માટે બેઠકો કરશે. નોંધનીય બાબત એ છે કે અગાઉ મુંબઈમાં 12મી હાઈ લેવલ જોઈન્ટ ટાસ્ક ફોર્સ ઓન ઈન્વેસ્ટમેન્ટની બેઠક ગત ઑક્ટોબર મહિનામાં યોજાઈ હતી, જેમાં દ્વીપક્ષીય રોકાણ કરારને બહાલી આપવામાં આવી હતી.

અત્રે નોંધનીય બાબત એ છે કે ભારત-યુએઈ વચ્ચેના દ્વીપક્ષીય કરારનો અમલ મે, 2022થી થયો હતો અને વર્ષ 2020-21માં બન્ને દેશો વચ્ચે દ્વીપક્ષીય વેપાર જે 43.3 અબજ ડૉલરનો હતો તે વર્ષ 2023-24માં બમણો થઈને 83.7 અબજ ડૉલરની સપાટીએ રહ્યો હતો. તેમ જ ભારતમાં સૌથી વધુ રોકાણ કરનાર દેશમાં યુએઈ સાતમાં ક્રમાંકે છે અને ગત એપ્રિલ, 2000થી જૂન, 2025 સુધીમાં દેશમાં યુએઈ તરફથી 25 અબજ ડૉલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button