અમેરિકા-ચાઈના ટ્રેડ વૉરથી ભારતીય નિકાસકારોને લાભ થવાની શક્યતાઃ નિષ્ણાતો | મુંબઈ સમાચાર
વેપાર

અમેરિકા-ચાઈના ટ્રેડ વૉરથી ભારતીય નિકાસકારોને લાભ થવાની શક્યતાઃ નિષ્ણાતો

નવી દિલ્હીઃ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર વકરે તો ભારતીય નિકાસકારોના અમેરિકી બજારમાં શિપમેન્ટો વધે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિઓ)ના પ્રમુખ એસ સી રલ્હને જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા ચીનથી આયાત થતાં માલો પર ટૅરિફમાં વધારો કરવામાં આવે તો માગ ભારત તરફ વળી શકે છે. વર્ષ 2024-25માં ભારતે અમેરિકા ખાતે 86 અબજ ડૉલરની નિકાસ કરી હતી. જો, અમેરિકા વચ્ચેનું ટ્રેડ વૉર વકરે તો આપણને લાભ થઈ શકે, એમ તેમણે ઉમેર્યું હતું.

નોંધનીય બાબત એ છે કે અમેરિકાએ ચીનથી થતી આયાત સામે આગામી પહેલી નવેમ્બર, 2025થી વધારાની 100 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે જ ચીનથી થતી આયાત સામે કુલ 130 ટકા ટૅરિફ થાય છે.

આ પણ વાંચો: અમેરિકાએ લાદેલા ભારે ટેરિફ બાદ પીએમ મોદી ચીનના પ્રવાસે! રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક

અગાઉ નવમી ઑક્ટોબરનાં રોજ બિજિંગે રેર અર્થ (મહત્ત્વના ખનીજો) જે અમેરિકાના સંરક્ષણ, ઈલેક્ટ્રિક વાહનો અને ક્લિન એનર્જી ઉદ્યોગ માટે આવશ્યક છે તેની નિકાસ પર નવાં નિયંત્રણો લાદતા અમેરિકાએ આ પગલું ભર્યું છે.
હાલમાં ભારતથી થતી નિકાસ પર અમેરિકાએ 50 ટકા ટૅરિફ લાદી છે, જ્યારે ચીનથી થતી આયાત સામે 30 ટકા ટૅરિફ છે. જોકે, હવે ચીનથી થતી આયાત સામે 100 ટકા ટૅરિફ લાદવામાં આવતા ભારતનો હાથ ઉપર રહેશે, એમ એક ટેક્સ્ટાઈલ નિકાસકારે જણાવતા ઉમેર્યું હતું કે ચીનથી થતી આયાત સામે ઊંચી કસ્ટમ ડ્યૂટી લાદવામાં આવતાં ભારતને અમેરિકા ખાતે નિકાસ કરવા માટે પ્રચૂર તકો મળશે. તે જ પ્રમાણે અન્ય એક નિકાસકારે જણાવ્યું હતું કે ચીનની નિકાસ ભારતની સરખામણીમાં ઓછી સ્પર્ધાત્મક બનશે.

વધુમાં રમકડાંના નિકાસકાર મનુ ગુપ્તાએ જણાવ્યું હતું કે ચીનના સામાનો પર ઊંચી જકાતને કારણે ભારતીય ઉત્પાદનોની પેરિટી વધતાં અમને લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળશે ખરીદદારો આકર્ષાશે. આ સિવાય સરકારી થિન્ક ટૅન્ક જીટીઆરઆઈએ જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ વધતાં વૈશ્વિક બજારોમાં ઈલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઈન અને સેમિક્નડક્ટરના ભાવ વધશે. નોંધનીય બાબત એ છે કે અમેરિકા ઈલેક્ટ્રોનિક્સ, ટેક્સ્ટાઈલ, ફૂટવૅર, વ્હાઈટ ગૂડ્સ અને સોલાર પેનલ જેવાં ઉત્પાદનો માટે ચીન પર વધુ નિર્ભર છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ 2024-25માં સતત ચોથા વર્ષમાં અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ રહ્યો હતો અને 131.84 અબજ ડૉલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો જેમાં ભારતની નિકાસ 86.5 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button