વેપાર

વર્તમાન ખાંડ મોસમમાં અત્યાર સુધીમાં ઉત્પાદન 28 ટકા વધ્યું, લઘુતમ વેચાણભાવ વધારવા ઉદ્યોગની માગ…

નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમ 2025-26માં અત્યાર સુધીમાં ખાંડનું ઉત્પાદન ગત મોસમના સમાનગાળાની સરખામણીમાં 28.33 ટકા વધીને 77.90 લાખ ટનની સપાટીએ રહ્યું હોવાનું નેશનલ ફેડરેશન ઑફ કૉ ઑપરેટિવ સુગર ફેક્ટરીઝ લિ. (એનએફસીએસએફ)એ આંકડાકીય માહિતી આપતા સરકારને ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારવા માટે અનુરોધ કર્યો હતો અને હાજર બજારમાં ઘટતા ભાવ અને વધી રહેલા ઉત્પાદનખર્ચને કારણે ખેડૂતોને શેરડીની ખરીદી પેટેની ચુકવણી જોખમમાં આવી શકે છે, એવી ચેતવણી પણ આપી છે.

ખેડૂતોની માલિકીની મિલોનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશને જણાવ્યું હતું કે વર્તમાન ખાંડ મોસમ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એક્સ મિલ ધોરણે ખાંડનાં ભાવમાં ટનદીઠ રૂ. 2300નો ઘટાડો આવ્યો છે અને ઉત્પાદનમાં વધારો થયો હોવા છતાં હાલ ભાવ ટનદીઠ રૂ. 37,700 આસપાસ છે.

ફેડરેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત 15મી ડિસેમ્બર સુધી દેશની કુલ 479 મિલોએ 77.90 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જ્યારે ગત મોસમના સમાનગાળામાં 473 મિલોએ 60.70 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. તેમ જ શેરડીનું પિલાણ પણ 25.6 ટકા વધીને 900.75 લાખ ટનની સપાટીએ રહ્યું છે.

સમીક્ષા હેઠળના સમયગાળામાં મહારાષ્ટ્રમાં શેરડીનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 16.80 લાખ ટનની તુલનામાં લગભગ બમણાં જેટલું થઈને 31.30 લાખ ટનના સ્તરે, ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 22.95 લાખ ટન સામે વધીને 25.05 લાખ ટન અને કર્ણાટકમાં ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 13.50 લાખ ટન સામે વધીને 15.50 લાખ ટનની સપાટીએ રહ્યું છે.

ફેડરેશને સરકારને ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારીને કિલોદીઠ રૂ. 41 નિર્ધારિત કરવાની સાથે વધુ પાંચ લાખ ટન ખાંડ ઈથેનોલના ઉત્પાદન તરફ વિકેન્દ્રિત કરવાનો અનુરોધ જેથી અંદાજે રૂ. 20 અબજ ઉપાર્જિત થાય. જોકે, સરકારના વર્તમાન ખાંડ મોસમ માટે સરકારે 15 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપવાના નિર્ણયને ફેડરેશને આવકાર્યો હતો, પરંતુ માત્ર આ એક પગલાંને કારણે મિલોની પ્રવાહિતા માટેની કટોકટી દૂર નહીં થાય તેમ જણાવ્યું હતું.

વર્તમાન મોસમમાં મિલોની શેરડીની ખરીદી પેટની ચુકવણીની જવાબદારી રૂ. 1.30 લાખ કરોડ કરતાં વધુ છે, જ્યારે અતિરિક્ત પુરવઠાને કારણે કાર્યકારી મૂડીમાં અંદાજે રૂ. 28,000 કરોડ રૂંધાયા છે. કૉ ઑપરેટિવ મિલો લાખો ખેડૂતોની માલિકીની છે અને હાલમાં તેઓને સરકારની ટેકાની તાતી આવશ્યકતા હોવાનું ફેડરેશનના પ્રમુખ હર્ષવર્ધન પાટીલે યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે અમે તાકીદના પગલાં માટે અમારો વિસ્તૃત પ્રસ્તાવ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અનાજ મંત્રાલયને આપવામાં આવ્યો છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button