વર્ષ 2024-25ની મોસમમાં 7.75 લાખ ટન ખાંડની નિકાસઃઆઈસ્ટા

નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બરનાં અંતે પૂરી થયેલી ખાંડ મોસમ 2024-25માં દેશમાંથી 7.75 લાખ ટન ખાંડની નિકાસ થઈ હોવાનું અગ્રણી સંગઠન ઑલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિયેશન (આઈસ્ટા)એ એક યાદીમાં જણાવવાની સાથે વર્તમાન મોસમ 2025-26 માટેની ખાંડની નિકાસનો ક્વૉટા વહેલાસર જાહેર કરવા માટે સરકારને અનુરોધ કર્યો છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ખાંડની માર્કેટિંગ મોસમની શરૂઆત પહેલી ઑક્ટોબરથી શરૂ થતી હોય છે અને 30મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતી હોય છે. ગત માર્કેટિંગ મોસમમાં સરકારે 20મી જાન્યુઆરી, 2025ના રોજ સરકારે કુલ 10 લાખ ટન ખાંડની નિકાસ માટે મંજૂરી આપી હતી.
આપણ વાંચો: હાજર ખાંડમાં નરમાઈ, નાકા ડિલિવરીમાં સુધારો
.એસોસિયેશનનાં જણાવ્યાનુસાર સરકારે ગત મોસમ માટેનાં નિકાસનાં ક્વૉટાની જાન્યુઆરીનાં મધ્ય પછી જાહેરાત કરી હોવાથી ગત સાલના ફેબ્રુઆરીથી સપ્ટેમ્બરના અંત સુધીમાં ખાંડ મિલોએ કુલ 7.75 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી, જેમાંથી 6.13 લાખ ટન સફેદ ખાંડની, 1.04 લાખ ટન રિફાઈન્ડ ખાંડની અને 33,338 ટન રૉ અથવા તો કાચી ખાંડની નિકાસ કરી છે. તેમ જ અંદાજે 21,000 ટન કાચી ખાંડ એસઈઝેડની રિફાઈનરીઓમાં ડિલિવરી કરવામાં આવી છે જેની ગણનાં નિકાસમાં કરવામાં આવી છે.
વધુમાં એસોસિયેશનના જણાવ્યાનુસાર ગત મોસમમાં થયેલી કુલ નિકાસ પૈકી સૌથી વધુ 1.46 લાખ ટન ખાંડ ડિજિબુટી ખાતે કરવામાં આવી છે, ત્યાર બાદ અનુક્રમે 1.35 લાખ ટન સોમાલિયા ખાતે, 1.34 લાખ ટન શ્રીલંકા ખાતે અને 75,533 ટન ખાંડની નિકાસ અફ્ઘાનિસ્તાન ખાતે કરવામાં આવી છે.
આપણ વાંચો: મીડિયમ ગ્રેડ ની ખાંડમાં પીછેહઠ
નોંધનીય બાબત એ છે કે વર્ષ 2024-25ની મોસમ માટે આઈસ્ટાએ આઠ લાખ ટન ખાંડની નિકાસનો પ્રાથમિક અંદાજ મૂક્યો હતો તેની સરખામણીમાં ગત ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન લક્ષ્યાંકની લગોલગ 7.75 લાખ ટન ખાંડની નિકાસ થઈ છે.
ગત પહેલી ઑક્ટોબરથી વર્તમાન ખાંડ મોસમ 2025-26નો આરંભ થઈ ચૂક્યો હોવાથી સરકારને ઓછામાં ઓછા નવેમ્બર મહિના સુધીમાં નિકાસ માટેના ક્વૉટાની જાહેરાત કરવા માટે સરકારને અનુરોધ કરવાની સાથે વર્તમાન મોસમ માટે પણ આગલી વર્ષ 2024-25ની મોસમની જેમ નિકાસ ક્વૉટાની નીતિ અને મિલો સાથે ક્વૉટાનાં એક્સચેન્જની નીતિ જાળવી રાખવાનો સરકારને અનુરોધ કરવામાં આવ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.