સ્ટીલની માગ વૃદ્ધિ દ્વીઅંકી સંખ્યામાં જળવાયેલી રહેશે

નવી દિલ્હીઃ આગામી વર્ષોમાં સરકારી માળખાકીય ખર્ચના ટેકે દેશમાં સ્ટીલની માગમાં વૃદ્ધિ દ્વીઅંકી સંખ્યામાં જળવાયેલી રહેશે, એમ સ્ટીલ ખાતાના કેન્દ્રીય પ્રધાન ભૂપથીરાજ શ્રીનિવાસ વર્માએ આજે જણાવ્યું હતું.
સરકારના વડપણ હેઠળનાં પગલાંઓ માળખાકીય પ્રોજેક્ટોને વેગ આપ્યો હોવાથી સ્ટીલની વપરાશી માગમાં વૃદ્ધિ જળવાયેલી રહેશે, એમ તેમણે અત્રે યોજાયેલ આઈએસએ સ્ટીલ કોન્ક્લેવને સંબોધતા જણાવ્યું હતું.
છેલ્લાં ત્રણ વર્ષથી સ્ટીલની માગમાં વૃદ્ધિ દ્વીઅંકી સંખ્યામાં થઈ રહી છે. તેમ જ આગામી વર્ષોમાં પણ આ વૃદ્ધિદર જળવાઈ રહેતાં વર્ષ 2030 સુધીમાં સ્ટીલની ઉત્પાદન ક્ષમતા 30 કરોડ ટનના સ્તરે પહોંચશે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે દેશનાં જીડીપીમાં સ્ટીલ ઉદ્યોગનો નોંધપાત્ર ફાળો છે. તેમ જ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં પણ તેની ભૂમિકા મહત્ત્વની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળનાં નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન જેવાં કાર્યક્રમો અંતર્ગત સ્ટીલની માગને વેગ મળશે અને સ્થાનિક સ્તરે સ્ટીલના વપરાશમાં પણ વધારો થશે, એમ તેમણે ઉમેર્યું હતું.