વેપાર

ભારતે ચાંદીનું પ્રોસેસિંગ વધારવાને પ્રોત્સાહન આપીને આયાત વિકેન્દ્રિત કરવી જોઈએઃ જીટીઆરઆઈ

નવી દિલ્હીઃ ચાંદી હવે માત્ર એક કિંમતી ધાતુ નથી રહી, પરંતુ એક મુખ્ય ઔદ્યોગિક એનર્જી ટ્રાન્ઝિશન (ઊર્જા સંક્રમણ) ઈનપૂટ્સ પણ છે. આથી ભારતે હવે લાંબાગાળાના વિદેશી ખનન પુરવઠાને સુરક્ષિત કરીને સ્થાનિકમાં તેનાં પ્રોસેસિંગ (શુદ્ધિકરણ)અને રિસાઈકલિંગને વેગ આપીને ફિનિશ્ડ ચાંદીની આયાત નિર્ભરતા ઘટાડીને આયાતી સ્રોતને વિકેન્દ્રિત કરીને પ્રોસેસિંગ પર ધ્યાન વધુ કેન્દ્રિત કરવું જોઈએ, એમ થિન્ક ટૅન્ક જીટીઆરઆઈ (ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે વૈશ્વિક સ્તરે ચાઈના ચાંદીના પ્રોસેસિંગનું મુખ્ય મથક છે. વૈશ્વિક સ્તરે કુલ 6.3 અબજ ડૉલરનાં મૂલ્યનાં સિલ્વર ઑર અને કોન્સન્ટ્રેટ પૈકી 5.6 અબજ ડૉલરના મૂલ્યની બીજિંગ આયાત કરે છે અને તેનું સ્થાનિકમાં રિફાઈન કરીને ઈલેક્ટ્રોનિક્સ, તબીબી ઉપકરણો અને સોલાર પેનલમાં જડિત ઊંચા મૂલ્યથી નિકાસ કરે છે, જ્યારે તેનાથી વિપરીત ભારતમાં વર્ષ 2024માં 6.4 અબજ ડૉલરના મૂલ્યની રિફાઈન્ડ ચાંદીની આયાત થઈ હતી, જે કુલ વેપારનો 21.4 ટકા હિસ્સો ધરાવે છે. આથી ભારત ફિનિશ્ડ ચાંદીનો મુખ્ય આયાતકાર દેશ રહ્યો હોવાથી ભારતે મુખ્યત્વે સિલ્વર ઑરનું પ્રોસેસિંગ શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાનિક સ્તરે તેનું મૂલ્યવર્ધન કરવું જોઈએ, એમ જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

નાણાકીય વર્ષ 2025માં ભારતે માત્ર 47.84 કરોડનાં ચાંદીના ઉત્પાદનોની નિકાસ કરી હતી, જ્યારે આયાત 4.83 અબજ ડૉલરની થઈ હતી, જે આયાત નિર્ભરતા દર્શાવે છે. આ આયાત નિર્ભરતા વર્ષ 2025માં વધી છે ગત ઑક્ટોબર મહિનામાં આયાત વર્ષાનુવર્ષ ધોરણે 529 ટકા વધીને 2.7 અબજ ડૉલરના સ્તરે અને નવેમ્બર મહિનામાં આયાત 126 ટકા વધીને 1.1 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

વધુમાં ગત જાન્યુઆરીથી નવેમ્બર, 2025 દરમિયાન આયાત 8.5 અબજ ડૉલરની થઈ છે અને સમગ્ર વર્ષની આયાતનો અંદાજ 9.2 અબજ ડૉલરનો મૂકવામાં આવ્યો છે. આ અંદાજ અનુસાર વર્ષ 2024ની સરખામણીમાં આયાતમાં 44 ટકા જેટલો વધારો નોંધાશે. જોકે, વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઑક્ટોબર સુધીની ચાંદીની આયાત 5.94 અબજ ડૉલરની થઈ છે.

ભારતે ચાંદીને માત્ર કિંમતી ધાતુ તરીકે નહીં, પરંતુ મહત્ત્વની ઔદ્યોગિક તથા એનર્જી ટ્રાન્ઝિશન ધાતુ તરીકે ઓળખવી જોઈએ અને તેને ખનીજ તથા ક્લિન એનર્જી સ્ટ્રેટેજીમાં સમાવેશ કરવો જોઈએ, એમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ માટે દરિયાપારની ખનનની ભાગીદારી દ્વારા લાંબાગાળાના સલામત પુરવઠા સ્રોત સુરક્ષિત કરવાની અને રિસાઈકલિંગની ક્ષમતા વધારવા પ્રોત્સાહન આપવાની અને થોડા ટ્રેડિંગ હબની બહાર આયાતના સ્રોતોનાં વૈવિધ્યકરણની જરૂર પડશે, વિભાજિત વૈશ્વિક ક્રમમાં ચાંદીને સુરક્ષિત કરવી એ એનર્જી ટ્રાન્ઝિશન કરવા જેટલું જ મહત્ત્વપૂર્ણ બની રહ્યું હોવાથી તે ભારતનાં નીતિ માળખામાં પ્રતિબિંબિત થવું જોઈએ.

એકંદરે સોનાથી વિપરીત ચાંદીની પુરવઠા ચેઈન ઓછી હોવાથી સ્પર્ધા તીવ્ર બનવાની સાથે વ્યૂહાત્મક પણ બની રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત પહેલી જાન્યુઆરીથી ચીને ચાંદીની નિકાસ લાઈસન્સ આધારિત કરીને નિકાસનાં નિયંત્રણો કડક બનાવ્યાં હોવાથી દેશમાં ચાંદીની આયાતનું વિકેન્દ્રિકરણ અત્યંત મહત્ત્વનું બન્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button