ચાંદીએ વળતર આપવામાં સોનાને પછાડયુ, રોકાણકારોને કર્યા માલામાલ

મુંબઈ : દેશમાં રોકાણકારો સારા વળતર માટે શેરબજાર, સોનું અને ચાંદી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં રોકાણ કરતા હોય છે. જેમાં આ વર્ષે સપ્ટેમ્બર માસમાં ચાંદીએ સોના કરતા પર વઘારે વળતર આપ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર માસમાં ચાંદીએ 19. 4 ટકા વળતર આપ્યું છે. જયારે સોનાની કિંમતમાં 14 ટકાનો વધારો થયો હતો.
24,500 રૂપિયા વધીને રૂપિયા 1,50,500 થયો
જોકે, ચાંદીની વધતી કિંમતનું કારણ મજબૂત ઔધોગિક માંગ અને વૈશ્વિક પુરવઠામાં ઘટાડો કારણભૂત છે. જેમાં ચાંદીનો ભાવ 2 સપ્ટેમ્બરના રોજ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 1,26,000 હતો. જે 30 સપ્ટેમ્બરના રોજ 24,500 રૂપિયા વધીને રૂપિયા 1,50,500 થયો હતો.
મજબૂત ઔદ્યોગિક માંગના લીધે ચાંદી વધુ મજબૂત બની
આ અંગે નિષ્ણાતોમાં મતે ચાંદીએ સોના અને શેરબજાર કરતા વધુ વળતર આપ્યું છે. આ ઉપરાંત નબળો યુએસ ડોલર અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ વધવાને કારણે આ વર્ષે ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. તેમજ સોલર અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રોમાંથી મજબૂત ઔદ્યોગિક માંગના લીધે ચાંદી વધુ મજબૂત બની છે.
સોના અને શેરબજાર કરતા વધુ વળતર
જો આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધી આ વર્ષે ચાંદીએ 49.14 ટકા વળતર આપ્યું છે. જ્યારે સોનામાં 43.2 ટકાનો વધારો થયો છે. તેમજ મુખ્ય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 5.74 ટકા અને 7.1 ટકાનો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે આ વર્ષે ચાંદીએ સેન્સેક્સ કરતાં 8 ગણાથી વધુ અને નિફ્ટી કરતાં 7 ગણાથી વધુ વળતર આપ્યું છે.
આ પણ વાંચો…સોના-ચાંદીમાં સામસામા રાહ, ચાંદીમાં રૂ. 490ની આગેકૂચ, સોનામાં રૂ. 378નો ઘટાડો