વર્ષ 2025-26ની મોસમ માટે સરકારે 11.9 કરોડ ટન ઘઉંના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો

નવી દિલ્હીઃ આગામી વર્ષ 2025-26ની માર્કેટિંગ મોસમ (જુલાઈ-જૂન) માટે સરકારે ઘઉંનાં ઉત્પાદનનો અંદાજ આગલી મોસમનાં 11.5 કરોડ ટનના અંદાજ સામે 3.47 ટકા વધારીને 11.9 કરોડ ટન થવાનો અંદાજ મૂક્યો છે. જોકે, વાસ્તવિક ઉત્પાદન 11.75 કરોડ ટન રહ્યું હોવાનું કૃષિ મંત્રાલયે જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે ઘઉં એ મુખ્ય રવી પાક છે અને દેશમાં રવી વાવેતરનો આરંભ ઑક્ટોબર-નવેમ્બરથી થતો હોય છે. જોકે, રવી પાકમાં ઘઉં ઉપરાંત જુવાર, જવ, ચણા, મસૂર વગેરેનું વાવેતર થતું હોય છે. વધુમાં સરકારે વર્ષ 2025-26ની રવી માર્કેટિંગ મોસમમાં કુલ ખાદ્યાન્નના ઉત્પાદનનો લક્ષ્યાંક 17.114 કરોડ ટનનો મૂક્યો છે.
આ પણ વાંચો : હવે ઘઉંની સટ્ટાબાજી પર સરકાર આ રીતે કરશે નિયંત્રણઃ આવતીકાલથી નવો નિયમ લાગુ
અત્રે યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય રવી કોન્ફરન્સ પશ્ચાત્ કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પત્રકાર વર્તુળોને જણાવતા ઉમેર્યું હતું કે રવી મોસમ માટે દેશમાં બિયારણ અને ફર્ટિલાઈઝરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમ જ આગામી રવી મોસમમાં ત્રીજી ઑક્ટોબરથી શરૂ થનારા `વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ હેઠળ કૃષિ વૈજ્ઞાનિકોની અંદાજે 2000 ટીમ અથવા તો ટુકડીઓ ખેડૂતોની મુલાકાત લેશે અને તેઓને રવી ઝુંબેશ અંતર્ગત માર્ગદર્શન આપશે.
આગામી રવી મોસમ માટે કૃષિ મંત્રાલયે ઉત્તર પ્રદેશમાં ઘઉંનાં ઉત્પાદનનો અંદાજ 3.64 કરોડ ટનનો અને મધ્ય પ્રદેશનો અંદાજ 2.4 કરોડ ટનનો મૂક્યો છે, જ્યારે પંજાબમાં 1.8 કરોડ ટન, રાજસ્થાનમાં 1.155 કરોડ ટન, હરિયાણામાં 1.155 કરોડ ટન અને બિહારમાં 72.5 લાખ ટનના ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે.
આ પણ વાંચો : શું આ વર્ષે પણ સર્જાશે ઘઉંની અછત ? આ કારણો જવાબદાર હોઇ શકે..
આ સિવાય સરકારે આગામી રવી મોસમમાં 1.657 કરોડ ટન કઠોળ અને 1.507 કરોડ ટન તેલીબિયાંના ઉત્પાદનનો અંદાજ મૂક્યો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે દેશમાં ઘઉં અને ચોખાનું ઉત્પાદન વૈશ્વિક સ્તરે પહોંચ્યું છે, પરંતુ કઠોળ અને તેલીબિયાંના પાક પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. જોકે, સરકાર પાક અનુસાર સમીક્ષા કરી રહી છે અને રવી પાકમાં ઉત્પાદન વધે તે માટે નક્કર પગલાં લેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી રવી મોસમ માટે 2.29 કરોડ ટન બિયારણની જરૂરિયાત સામે અંદાજે 2.5 કરોડ ટનનો સ્ટોક છે. તેમ જ તેમણે બનાવટી પેસ્ટિસાઈડ્સ, બિયારણ અને ફર્ટિલાઈઝરના વેચાણકર્તા સામે રાજ્ય સ્તરે કડક પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનો નિર્દેશ આપવાની સાથે પૂરથી અસરગ્રસ્ત રાજ્યોને ટેકો આપવા માટે પણ સરકાર પગલાં લઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.