ચીનથી આયાત થતાં ક્રેન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ | મુંબઈ સમાચાર
વેપાર

ચીનથી આયાત થતાં ક્રેન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ

નવી દિલ્હીઃ ચીનથી આયાત થઈ રહેલા અમુક સસ્તા ક્રેનથી સ્થાનિક ઉત્પાદકોના હિતો જોખમાઈ રહ્યા હોવાથી ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)એ સસ્તી આયાતને રોકવા એન્ટિ ડમ્પિગ ડ્યૂટી લાદવાની ભલામણ કરી છે.

ડીજીટીઆરએ તેનાં અંતિમ તારણોમાં જણાવ્યું હતું કે આ ઉત્પાદનની ભારતમાં થતી નિકાસ બહુ સસ્તા અથવા તો સાધારણ કરતાં પણ નીચા ભાવથી થઈ રહી હોવાથી ડમ્પિંગમાં વધારો થયો છે. આથી પાંચ વર્ષ માટે ડેફિનેટિવ ડ્યૂટી લાદવાની ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કેનેડા, મેક્સિકો અને ચીનથી થતી આયાત સામે ટેરીફના અમલ પૂર્વે વૈશ્વિક સોનામાં સાવચેતીનું વલણ

એકંદરે ઉત્પાદનના પ્રકારને ધ્યાનમાં લેતા સીઆઈએફ (કોસ્ટ, ઈન્સ્યોરન્સ અને ફ્રેઈટ) મૂલ્યનાં ટકાવારીના ધોરણે એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદવાની ઑથોરિટી વિચારણા કરી રહી છે. નોંધનીય બાબત એ છે કે સામાન્યપણે ક્રેનનો ઉપયોગ રોડ, પૂલ, રિફાઈનરી અને સિમેન્ટ જેવા માળખાકીય પ્રોજેક્ટ સાઈટ પર માલસામાનના ચડાવ-ઉતાર, મટીરિયલની હેરફેર માટે કરવામાં આવતો હોય છે.

ડીજીટીઆર દ્વારા ડ્યૂટીની ભલામણ કરવામાં આવી છે, પરંતુ ડ્યૂટી લગાડવા માટેનો અંતિમ નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવશે. વધુમાં ડીજીટીઆરએ અન્ય એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ઑથૉરિટીએ ચીનથી આયાત થતાં કોપર ડેટા કેબલ અને ઈથામ્બ્યુટોલ હાઈડ્રોક્લોરાઈડનાં ડમ્પિંગ અંગેની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button