ભારત 257 ગિગા વૉટના ઉત્પાદન સાથે રિન્યુએબલ એનર્જીમાં ચોથા ક્રમાંકે | મુંબઈ સમાચાર
વેપાર

ભારત 257 ગિગા વૉટના ઉત્પાદન સાથે રિન્યુએબલ એનર્જીમાં ચોથા ક્રમાંકે

નવી દિલ્હીઃ ભારત 257 ગિગા વૉટ રિન્યુએબલ એનર્જીનાં ઉત્પાદન સાથે વિશ્વનો ચોથા ક્રમાંકનો દેશ બન્યો છે. વર્ષ 2014માં રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન 81 ગિગા વૉટનું થયું હતું. આમ ઉત્પાદનમાં ત્રણ ગણો ઉછાળો આવ્યો હોવાનું કેન્દ્રિય પ્રધાન પ્રલ્હાદ જોશીએ જણાવ્યું હતું.

અત્રે યોજાયેલ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ એસેમ્બલીના આઠમા સત્રને સંબોધતા ન્યૂ ઍન્ડ રિન્યુએબલ એનર્જી ખાતાના પ્રધાને જણાવ્યું હતું કે વર્ષ 2014માં દેશની સોલાર ક્ષમતા જે 2.8 ગિગા વૉટ હતી તે હવે વધીને 128 ગિગા વૉટ થઈ છે તેમ જ વર્ષ 2014માં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા જે 81 ગિગા વૉટ હતી તે વધીને 257 ગિગા વૉટ થતાં ભારત રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં ભારત વિશ્વમાં ચોથો ક્રમાંક ધરાવે છે.

આપણ વાચો: GSTમાં ઘટાડાથી રિન્યુએબલ એનર્જીમાં રોકાણકારોને રૂ. 1.5 લાખ કરોડની બચત થશેઃ પ્રલ્હાદ જોશી

વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે દેશમાં સોલાર મોડ્યુલની ઉત્પાદન ક્ષમતા જે વર્ષ 2014માં બે ગિગા વૉટની હતી તે હાલમાં વધીને 110 ગિગા વૉટની થઈ છે. તે જ પ્રમાણે સોલાર સેલનું ઉત્પાદન જે શૂન્યના સ્તરે હતું કે વધીને 27 ગિગા વૉટ થયું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ બિન અશ્મિભૂત ઈંધણ સ્રોતમાંથી 50 ટકા ઊર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક પાંચ વર્ષ પહેલા જ હાંસલ થઈ ગયો છે.

ભારતમાં સોલાર, સોલાર-પ્લસ-બેટરી અને ગ્રીન એમોનિયા સહિતનાં રિન્યુએબલ ટૅરિફ વિશ્વની સરખામણીમાં નીચા છે, જે ભારતની ક્ષમતાનો નિર્દેશ આપવાની સાથે પોસાણક્ષમ ભાવથી ઝડપભેર ક્લિન એનર્જી પૂરી પાડવાની ક્ષમતા ધરાવતું હોવાના સંકેત આપે છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button