વિદેશી હૂંડિયામણની અનામત ઘટીને 698 અબજ ડૉલર, સોનાની અનામતે 100 અબજ ડૉલરનો આંક વટાવ્યો | મુંબઈ સમાચાર
વેપાર

વિદેશી હૂંડિયામણની અનામત ઘટીને 698 અબજ ડૉલર, સોનાની અનામતે 100 અબજ ડૉલરનો આંક વટાવ્યો

મુંબઈઃ ગત 10મી ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 2.176 અબજ ડૉલરના ઘટાડા સાથે 697.784 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 27.6 કરોડ ડૉલરના ઘટાડા સાથે 699.96 અબજ ડૉલરના સ્તરે રહી હતી.

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 5.605 અબજ ડૉલરના ઘટાડા સાથે 572.103 અબજ ડૉલરના સ્તરે રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર સિવાયના યુરો, પાઉન્ડ અને યેન જેવાં મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.

આ પણ વાંચો: દેશી હૂંડિયામણની અનામત 27.6 કરોડ ડૉલર ઘટીને 700 અબજની અંદર

રિઝર્વ બૅન્કની યાદી અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહમાં એકમાત્ર સોનાની અનામત 3.595 અબજ ડૉલર વધીને સૌપ્રથમ વખત 100 અબજ ડૉલરનો આંક વટાવીને 102.365 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. આ સિવાય ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 13 કરોડ ડૉલર ઘટીને 18.684 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 3.6 કરોડ ડૉલર ઘટીને 4.632 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button