forex: રૂપિયામાં ફરી ૨૬ પૈસાનો ધબડકો

ફોરેક્સ રિઝર્વમાં ૯.૮૦ અબજ ડોલરનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને સતત વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે વિદેશી ભંડોળના બાહ. પ્રવાહને કારણે અમેરિકન ચલણ સામે શુક્રવારે ભારતીય રૂપિયો ૨૬ પૈસા ઘટીને ૯૦.૧૬ (પ્રોવિઝનલ)ની સપાટી પર બંધ થયો હતો.
ફોરેક્સ વેપારીઓના મતે, સ્થાનિક ઇક્વિટી બજારોમાં મજબૂત ગ્રીનબેક અને નબળા સેન્ટિમેન્ટ સ્થાનિક એકમ પર વધુ દબાણ લાવી રહ્યા છે. આંતર-બેંક વિદેશી વિનિમય પર, રૂપિયો ૮૯.૮૮ની સપાટી પર ઊંચા મથાળે ખુલ્યો, પરંતુ દિવસ દરમિયાન તે ઘટીને ૯૦.૧૬ (પ્રોવિઝનલ)ની સપાટી પર સ્થિર થયો, જે તેના અગાઉના બંધ કરતા ૨૬ પૈસા નીચે હતો. દિવસ દરમિયાન, સ્થાનિક ચલણ ૮૯.૮૮ અને ૯૦.૨૫ની વચ્ચે ટ્રેડ થયું હતું.
બીજી જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ અનામત) ૯.૮૦૯ અબજ ડોલર ઘટીને ૬૮૬.૮૦૧ અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ શુક્રવારે જણાવ્યું હતું.
પાછલા રિપોર્ટિંગ સપ્તાહમાં, ફોરેક્સ રિઝર્વ ૩.૨૯૩ અબજ ડોલર વધીને ૬૯૬.૬૧ અબજ ડોલર થયું હતું. બીજી જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, ફોરેક્સ એસેટ્સ, જે અનામતનો મુખ્ય ઘટક છે, તે ૭.૬૨૨ અબજ ડોલર ઘટીને ૫૫૧.૯૯ અબજ ડોલર થઈ ગઈ હોવાનું સેન્ટ્રલ બેંકના ડેટા દર્શાવે છે.



