વેપાર

વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતનું ફાયર સેફ્ટી માર્કેટ ત્રણ અબજ ડોલરનો આંક વટાવી જશે

મુંબઇ: દેશમાં આગની વધતી ઘટનાઓને કારણે ભારતના ફાયર સેફટી માર્કેટનો મજબૂત વિકાસ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં આ માર્કેટનું કદ આશરે ૧.૭૫ અબજ ડોલરથી બે અબજ ડોલર જેવું હતું, જે વધતા શહેરીકરણ, કડક નિયમો અને મોટા માળખાકીય પ્રોજેક્ટ્સને કારણે એક અંદાજ મુજબ ૨૦૩૦ સુધીમાં આશરે દસથી ૧૧ ટકાના સીએજીઆર સાથે ત્રણ અબજ ડોલરને આંબી શકે છે.

આ માટેના મુખ્ય પરિબળોમાં આગ સામે સુરક્ષાને લગતી વધી રહેલી જાગૃતિ, સ્માર્ટ સિટી વિકાસ અને વાણિજ્યિક, ઔદ્યોગિક અને રહેણાંક ક્ષેત્રોમાં અદ્યતન સિસ્ટમ્સની માગનો સમાવેશ થાય છે. જોકે, અગ્નિ સુરક્ષાને હવે હળવાશથી લઈ શકાતી નથી, અને ખાસ કરીને મુંબઈ માટે એક ગંભીર ચેતવણી સમાન છે, એમ ઉદ્યોગના સાધનો જણાવે છે.

તાજેતરમાં દુનિયાભરમાં થયેલી આગની દુર્ઘટનાઓ એ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આગ જેવી આપત્તિ કેટલી ક્રૂર અને વિનાશક હોઈ શકે છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્વિસ આલ્પાઈન બારમાં લાગેલી આગમાં ૪૦ લોકોના મોત થયા અને ૧૧૫થી વધુ લોકો ઘાયલ થયા. ડિસેમ્બરમાં ગોવાના એક નાઇટક્લબમાં લાગેલી આગમાં ૨૫ લોકોનાં મોત થયા અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે પહેલાં, નવેમ્બરમાં હોંગકોંગના તાઈ પોમાં આવેલા વાંગ ફુક કોર્ટ રહેણાંક સંકુલમાં લાગેલી ભયાનક આગમાં ૧૬૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઘટનાઓ ભલે અલગ-અલગ દેશોમાં બની હોય, પરંતુ એ તમામ એક જ ગંભીર સંદેશ આપે છે: અગ્નિસુરક્ષામાં થયેલી નિષ્ફળતા માનવજીવનનો ભોગ લઈ જાય છે. મુંબઈ જેવા ઘનવસ્તીવાળા શહેર માટે આ ચેતવણી ખાસ મહત્વની હોવાનું જણાવતાં એચડી ફાયર પ્રોટેક્ટ લિમિટેડના સીએમડી હરીશ ધરમશીએ કહ્યું હતું કે, ઊંચી ઇમારતો, જૂની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા અને મોલ, ઓફિસ, હોટલ, પરિવહન કેન્દ્રો તથા રહેણાંક સંકુલોમાં સતત રહેતી ભીડને કારણે મુંબઈ આગ સંબંધિત આપત્તિઓ માટે અત્યંત સંવેદનશીલ છે. તેથી અગ્નિસુરક્ષાને માત્ર નિયમોની ફરજ નહીં, પરંતુ જાહેર સલામતીની અગ્રતા તરીકે જોવી જરૂરી છે.

અસરકારક અગ્નિસુરક્ષા માટે વ્યૂહાત્મક સ્થળોએ ઉચ્ચ ગુણવત્તાવાળા અને પ્રમાણિત અગ્નિસુરક્ષા સાધનોની સ્થાપના આવશ્યક છે. પાણી આધારિત, ફોમ આધારિત અને ગેસ આધારિત આધુનિક અગ્નિશામક સિસ્ટમ્સ આગને શરૂઆતના તબક્કામાં ઓળખી તેને કાબૂમાં લેવા માટે બનાવવામાં આવી છે. પરંતુ માત્ર સાધનો લગાવવાથી કામ પૂરું થતું નથી.
આ સિસ્ટમ્સનું યોગ્ય ડિઝાઇન, નિયમિત જાળવણી અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું પાલન અત્યંત જરૂરી છે.જાહેર જાગૃતિ અને તૈયારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ઘણી દુર્ઘટનાઓમાં ફાયર એક્સિ્ંટગ્વિશર કેવી રીતે વાપરવું, ઇમરજન્સી બહાર નીકળવાના માર્ગ ઓળખવા અથવા શાંતિથી પ્રતિક્રિયા આપવાની જાણકારીના અભાવે નુકસાન વધી જાય છે. નિયમિત ફાયર સેફ્ટી ડ્રિલ્સ, સ્પષ્ટ સૂચનફલકો, સ્ટાફ ટ્રેનિંગ અને વ્યાપક જનજાગૃતિ અભિયાન દ્વારા સલામતીની સંસ્કૃતિ વિકસાવવી જરૂરી છે. આગ લાગ્યાના શરૂઆતના થોડા મિનિટોમાં યોગ્ય પગલાં લેવામાં આવે તો અનેક જીવ બચાવી શકાય છે.

જવાબદારી અને કડક અમલ પણ અગ્નિસુરક્ષાનો મહત્વનો ભાગ છે. નિયમો હોવા છતાં તેની અસમાન અમલવારી અને નબળી તપાસ પ્રક્રિયાઓ તેની અસર ઘટાડે છે. નિયમિત તૃતીય-પક્ષ તપાસ, નિયમભંગ માટે કડક દંડ અને પારદર્શક રિપોર્ટિંગ વ્યવસ્થા અમલમાં મૂકવાથી સલામતી વધુ મજબૂત બની શકે છે. ઇમારતમાં રહેતા લોકો અને વપરાશકર્તાઓને પણ સુરક્ષાની ખામીઓ સામે અવાજ ઉઠાવવાનો અધિકાર અને હિંમત હોવી જોઈએ.આજના સમયમાં ટેકનોલોજી સ્માર્ટ અગ્નિસુરક્ષા સોલ્યુશન્સ પુરા પાડે છે, જેમાં ઇન્ટિગ્રેટેડ અલાર્મ સિસ્ટમ્સ, પ્રારંભિક ધુમાડા શોધ, રિમોટ મોનિટરિંગ અને સ્વચાલિત અગ્નિશામક વ્યવસ્થાઓનો સમોવશ થાય છે.

મુંબઈમાં ગગનચૂંબી ઇમારતો વધતી જાય છે ત્યારે આ અદ્યતન ટેકનોલોજી અપનાવવી હવે વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા બની ગઈ છે. અગ્નિસુરક્ષા એક સામૂહિક જવાબદારી છે. બેદરકારી સૌથી મોટો જોખમ છે. જો મુંબઈને ભવિષ્યની દુર્ઘટનાઓથી બચાવવું હોય, તો અગ્નિસુરક્ષા કાગળ પરની પાલન પ્રક્રિયા કરતાં વાસ્તવિક તૈયારીમાં બદલવી પડશે. જાગૃતિ, સજાગતા અને યોગ્ય અગ્નિસુરક્ષા સિસ્ટમ્સ મળીને જ માનવજીવન બચાવી શકે છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button