ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો, પરંતુ અન્ય બજારમાં મજબૂત વલણ

કોલકતાઃ ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો થયો છે, પરંતુ અમેરિકા સિવાયના અન્ય દેશો ખાતેનાં શિપમેન્ટમાં મજબૂત વલણ રહ્યું છે અને અગાઉના વૃદ્ધિદર કરતાં સારો વૃદ્ધિદર જોવા મળી રહ્યો હોવાનું અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલે તેનાં ઑક્ટોબર મહિનાના અહેવાલમાં જણાવ્યું છે.
અહેવાલ અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા ખાતેની મર્કન્ડાઈઝ નિકાસ 11.9 ટકા ઘટીને 5.5 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે તે પૂર્વે ઑગસ્ટ મહિનામાં સાત ટકાનો વૃદ્ધિદર જોવા મળ્યો હતો. જોકે, ઑગસ્ટમાં જોવા મળેલી વૃદ્ધિ ખાસ કરીને એપક્ષિત ટૅરિફ વૃદ્ધિને ધ્યાનમાં લેતા રહી હોવાનું એજન્સીએ નોંધ્યું હતું. જોકે, અમેરિકા સિવાયની બજારોમાં ગત સપ્ટેમ્બર મહિનામાં નિકાસમાં 10.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે આગલા ઑગસ્ટ મહિનામાં 6.6 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
આ પણ વાંચો: ટેરિફ વોરની અસર, અમેરિકામાં થતી ભારતની નિકાસમાં 11.9 ટકાનો ઘટાડો…
નોંધનીય બાબત એ છે કે ટ્રમ્પનાં વહીવટીતંત્રએ ગત 27મી ઑગસ્ટથી ભારતથી થતી આયાત સામે 50 ટકા ટૅરિફ લાદવાનો અમલ શરૂ કર્યો હતો. વધુમાં ક્રિસિલે તેનાં અહેવાલમાં ભારતની અમેરિકા ખાતેની મર્કન્ડાઈઝ નિકાસ ટૅરિફનાં પરિબળોનો સામનો કરી રહી હોવાનું અને તેને કારણે વૈશ્વિક વૃદ્ધિ પણ મંદ પડવાની ચેતવણી આપી છે.
અગાઉ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને વર્ષ 2025માં વૈશ્વિક મર્કન્ડાઈઝ વેપારમાં જે આગલા વર્ષ 2024માં 2.8 ટકા વૃદ્ધિ જોવા મળી હતી તેની સામે 2.4 ટકા વૃદ્ધિ રહેવાનો અંદાજ મૂક્યો છે. આ પડકારો છતાં ખાસ કરીને સર્વિસિસ નિકાસ, રેમિટન્સનો મક્કમ પ્રવાહ અને ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં લેતા ક્રિસિલે ભારતની ચાલુ ખાતાની ખાધ વહીવટ થઈ શકે તેટલી મર્યાદામાં અર્થાત્ જીડીપીના એક ટકા આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો છે. જોકે, ગત સાલ ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.6 ટકાના સ્તરે રહી હતી.