જાન્યુઆરીમાં નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળશેઃ વાણિજ્ય સચિવ

ન્યૂરેમબર્ગઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની ગૂડ્સ અને સર્વિસીસ (માલ-સામાન અને સેવાઓ)ની નિકાસે અત્યાર સુધી સકારાત્મક વૃદ્ધિ દર્શાવી છે. તેમ જ જાન્યુઆરીમાં પણ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સકારાત્મક વૃદ્ધિદર જોવા મળશે, એમ વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે જાન્યુઆરીની નિકાસની અધિકૃત આંકડાકીય માહિતી આ મહિનામાં જાહેર કરવામાં આવશે.
જાન્યુઆરી મહિનામાં નિકાસ કામગીરી કેવી રહેશે, એવા એક પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે એકંદરે અત્યાર સુધી નિકાસ સારી રહી છે. ખાસ કરીને મર્કન્ડાઈઝ નિકાસમાં કામગીરી જળવાઈ રહી છે અને સર્વિસીસ ક્ષેત્ર તો નિકાસ ક્ષેત્રે સારી કામગીરી દાખવી જ રહ્યું છે. આથી તમે જાન્યુઆરી મહિનામાં પણ સકારાત્મક વૃદ્ધિદરની અપેક્ષા રાખી શકો છો.
આપણ વાચો: સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ત્રીજા સત્રમાં પીછેહઠ સાથે એક મહિનાના તળિયે…
અત્રે યોજાયેલા બાયોફેચ 2026 શૉમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શૉમાં અંદાજે 20 રાજ્યોમાંથી 100 કરતાં વધુ ભારતીય પ્રદર્શનકારોએ તેના ઓર્ગેનિક ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. નોંધનીય બાબત એ છે કે આ ઓર્ગેનિક ઉત્પાદનો માટે યુરોપિયન યુનિયન મોટી બજાર છે.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત ડિસેમ્બર મહિનામાં દેશની મર્કન્ડાઈઝ નિકાસ વર્ષાનુવર્ષ ધોરણે 1.87 ટકા વધીને 38.5 અબજ ડૉલરના સ્તરે રહી હતી અને આયાત 8.7 ટકા વધીને 63.55 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. તેમ જ વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ડિસેમ્બર સુધીની મર્કન્ડાઈઝ નિકાસ ગત સાલના સમાનગાળાની તુલનામાં 2.44 ટકા વધીને 330.29 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં માલ-સામાન અને સર્વિસીસની નિકાસ આગલા નાણાકીય વર્ષ 2024-25ના 825 અબજ ડૉલર સામે વધીને 850 અબજ ડૉલરની સપાટીએ રહેવાનો અંદાજ વાણિજ્ય મંત્રાલયે મૂક્યો છે.



