
મુંબઈ : વિશ્વમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો અને ત્યાર બાદ કરેકશન જોવા મળ્યું છે. આ દરમિયાન ભારતના ફોરેકસ રિઝર્વમાં(વિદેશી હૂંડિયામણ અનામત ) પણ ઘટાડો થયો છે. ભારતના ફોરેકસ રિઝર્વમાં 6.925 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે. આ અંગે આરબીઆઈએ આપેલા આંકડા અનુસાર 24 ઓક્ટોબરના રોજ પૂર્ણ થતા સપ્તાહમાં ભારતનું ફોરેકસ રિઝર્વ 695.355 બિલિયન ડોલર થયુ છે. જોકે, તે સપ્ટેમ્બર માસના 704.89 બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરની નજીક છે.
ફોરેન કરન્સી એસેટ અને ગોલ્ડ રિઝર્વમાં પણ ઘટાડો
આરબીઆઈના જણાવ્યા અનુસાર, ફોરેન કરન્સી એસેટ જે અનામતનો સૌથી મોટો હિસ્સો છે. તે પણ ઘટીને 566.548 બિલિયન ડોલર થઈ છે. જે 3.862 બિલિયન ડોલરનો ઘટાડો દર્શાવે છે. ગોલ્ડ રિઝર્વમાં પણ 3.010 બિલિયન ડોલર ઘટીને 105.536 બિલિયન ડોલર થયો. આ ઘટાડો વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને રોકાણકારો દ્વારા સોનાની માંગમાં વધારો થવાને કારણે થયો હતો.
ભારત આર્થિક મોરચે મજબૂત
ભારત માટે ફોરેકસ રિઝર્વએ દેશની આર્થિક સ્થિરતા અને વૈશ્વિક વ્યવહાર ક્ષમતાનું સૂચક છે. ભારતનું ફોરેકસ રિઝર્વ ડોલર, યુરો, યેન અને પાઉન્ડ સ્ટર્લિંગ જેવા ચલણોમાં રાખવામાં આવે છે. આરબીઆઈની વ્યૂહરચના એ છે કે જ્યારે રૂપિયો નબળો પડે ત્યારે ડોલર વેચીને તેને સ્થિર કરવામાં આવે અને જ્યારે તે મજબૂત થાય ત્યારે ડોલર ખરીદવામાં આવે. વર્તમાન ડેટા દર્શાવે છે કે ભારતનું અર્થતંત્ર બાહ્ય મોરચે મજબૂત અને નિયંત્રિત છે.
આ પણ વાંચો…ડૉલર ઈન્ડેક્સ મજબૂત રહેતાં વૈશ્વિક સોના-ચાંદીમાં વધ્યા મથાળેથી પીછેહઠ



