બીજા ત્રિમાસિકગાળામાં ઑટોમોબાઈલ નિકાસ 26 ટકા વધી

નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા વર્તમાન નાણાકીય વર્ષનાં બીજા ત્રિમાસિકગાળામાં ખાસ કરીને પેસેન્જર વાહનો, દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોનું સૌથી વધુ શિપમેન્ટ થતાં ઑટોમોબાઈલની નિકાસમાં 26 ટકાનો ઉછાળો જોવા મળ્યો હોવાનું સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ)એ એક યાદીમાં જણાવ્યું છે.
સમીક્ષા હેઠળના સમયગાળામાં પેસેન્જર વાહનોની નિકાસ ગત સાલના સમાનગાળાના 1,96,196 યુનિટ સામે 23 ટકા વધીને 2,41,554 યુનિટની સપાટીએ રહી છે. જેમાં પેસેન્જર કારની નિકાસ વર્ષાનુવર્ષ ધોરણે 20.5 ટકા વધીને 1,25,513 યુનિટ (1,04,196 યુનિટ)નાં સ્તરે રહી છે. તે જ પ્રમાણે યુટિલિટી વાહનોનું શિપમેન્ટ 26 ટકા વધીને 1,13,374 યુનિટ અને વાનની નિકાસ 39 ટકા વધીને 2667 યુનિટની સપાટીએ રહી હતી. પેસેન્જર વાહનોની નિકાસમાં મારુતિ સુઝુકી ઈન્ડિયા અગે્રસર રહેતાં 2,05,763 યુનિટનું શિપમેન્ટ કર્યું હતું, ત્યાર બાદ 99,540 યુનિટની નિકાસ સાથે બીજા ક્રમાંકે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રહી હતી.
આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં ડીલરોને પેસેન્જર વાહનોની રવાનગીમાં ચાર ટકાનો વધારો
વધુમાં ગત જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન દ્વિચક્રી વાહનોની નિકાસ વર્ષાનુવર્ષ ધોરણે 25 ટકા વધીને 12,95,468 યુનિટ (10,35,997 યુનિટ)ની સપાટીએ રહી હોવાનું સિઆમે યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે આ સમય દરમિયાન સ્કૂટરનું શિપમેન્ટ 12 ટકા વધીને 1,77,957 યુનિટ, મોટરસાઈકલનું શિપમેન્ટ 27 ટકા વધીને 11,08,109 યુનિટ અને મોપેડનું શિપમેન્ટ ગત સાલના સમાનગાળાના 2028 યુનિટ સામે વધીને 9402 યુનિટની સપાટીએ રહ્યું હતું.
વધુમાં આ સમયગાળામાં કુલ વેપારી વાહનોની નિકાસ 22 ટકા વધીને 24,011 યુનિટના સ્તરે અને ત્રિચક્રી વાહનોની નિકાસ 51 ટકાના ઉછાળા સાથે 1,23,480 યુનિટની સપાટીએ રહી હતી. આમ કુલ ઑટોમોબાઈલ નિકાસ ગત સાલના સમાનગાળાના 13,35,343 યુનિટ સામે 26 ટકા વધીને 16,85,761 યુનિટની સપાટીએ રહી હતી. સિઆમના પ્રમુખ શૈલેષ ચંદ્રએ નોંધ્યું હતું કે બીજા ત્રિમાસિકગાળામાં જોવા મળેલો મજબૂત નિકાસ વૃદ્ધિદર વૈશ્વિક સ્તરે વાહનોમાં મેડ ઈન ઈન્ડિયા બ્રાન્ડને મળી રહેલી સ્વીકૃતિનો નિર્દેશ આપે છે.