વેપાર

વર્ષ 2025-26ની મોસમ માટે 15 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી, મોલાસીસ પરની ડ્યૂટી દૂર કરવામાં આવી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગત ઑક્ટોબરથી શરૂ થયેલી વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમ માટે 15 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હોવાનું ખાદ્યાન્ન ખાતાના પ્રધાન પ્રલ્હાદ જોશીએ આજે ઝણાવ્યું હતું.

વધુમાં કેન્દ્રીય અનાજ મંત્રાલયે મોલાસીસ પરની 50 ટકા નિકાસ જકાત પણ દૂર કરવાનો નિર્ણય લીધો હોવાનું ગત સાતમી નવેમ્બરનાં રોજ કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાને એક પત્રમાં જણાવ્યું હતું.

દેશમાં ખેડૂતોનાં હિત જાળવવા માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલાં અંગેની માહિતી કર્ણાટકનાં મુખ્યપ્રધાનને જણાવતા કહ્યું હતું કે વર્તમાન ખાંડ મોસમ માટે પણ સરકારે 15 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપવાની સાથે મોલાસીસ પરની 50 ટકા જકાત નિકાસ દૂર કરવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે ઉદ્યોગે વર્તમાન મોસમમાં નિકાસ માટે 20 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપવાનો અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો: ખાંડમાં વધુ રૂ. 10થી 14ની પીછેહઠ…

ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સપ્ટેમ્બરના અંતે પૂરી થયેલી ખાંડ મોસમ માટે સરકારે 10 લાખ ટન ખાંડની નિકાસ માટે મંજૂરી આપી હતી, પરંતુ નિકાસ આઠ લાખ ટનની સપાટીએ જ રહી હતી. ખાદ્ય સચિવ સંજીવ ચોપ્રાએ જણાવ્યું હતું કે ઈથેનોલનાં ઉત્પાદન માટે અપેક્ષા કરતાં ઓછી માત્રામાં ખાંડ વિકેન્દ્રિત વાથી ખાંડના અતિરિક્ત પુરવઠાને ધ્યાનમાં લેતા સરકાર ખાંડની નિકાસ માટેની મંજૂરીની દિશામાં વિચારણા કરી રહી છે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત ખાંડ મોસમ 2024-25માં ખાંડ મિલોએ ઈથેનોલના ઉત્પાદન માટે અપેક્ષિત 45 લાખ ટન ખાંડ વિકેન્દ્રિત કરવાને બદલે 34 લાખ ટન ખાંડ જ વિકેન્દ્રિત કરી હોવાથી વર્તમાન મોસમના આરંભે ખાંડનો સ્ટોક ઊંચી સપાટીએ રહ્યો હતો. જોકે, વર્તમાન ખાંડ મોસમમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 2.85 કરોડ ટનની વપરાશી માગ સામે વધીને 3.4 કરોડ ટન રહેવાનો અંદાજ ચોપ્રાએ મૂક્યો હતો.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button