વેપાર

આયાત થતાં સ્ટીલ પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિગ ડ્યૂટી…

નવી દિલ્હીઃ દેશમાં થતી સસ્તી આયાતના ડમ્પિંગને કારણે સ્થાનિક ઉત્પાદકોના હિત જોખમાઈ રહ્યા હોવાથી ભારતે વિયેટનામથી આયાત થતાં હોટ રોલ્ડ ફ્લેટ સ્ટીલનાં ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે ટનદીઠ 121.55 ડૉલરની એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદી છે.

સૂચિત એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી વાણિજ્ય મંત્રાલય હેઠળની તપાસકર્તા એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર) દ્વારા કરવામાં આવેલી ભલામણને ધ્યાનમાં રાખીને લાદવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવતા ઉમેર્યું હતું કે આ ઉત્પાદનો પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નોટિફિકેશન જાહેર કર્યાની તારીખથી પાંચ વર્ષ માટે લાદવામાં આવી છે. સિવાય કે તેને મુદત પહેલાં પાછી ખેંચવામાં આવે કે નાબૂદ કરવામાં આવે કે પછી તેમાં સુધારાવધારા કરવામાં આવે.

નોંધનીય બાબત એ છે કે સ્ટીલ ઉદ્યોગ દ્વારા કરવામાં આવેલી ડમ્પિંગની ફરિયાદને ધ્યાનમાં લેતા ડીજીટીઆર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસના અંતે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવાની ભલામણ કરવામાં આવી હતી. એકંદરે સ્ટીલ ઉદ્યોગ તરફથી ફરિયાદ કરવામાં આવી હોવાથી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવતા ઉદ્યોગમાં રાહતની લાગણી જોવા મળી રહી છે, જ્યારે ઉપયોગકર્તા ઉદ્યોગમાં નારાજગી પ્રવર્તી રહી છે.

વિશ્વના 166 રાષ્ટ્રોનાં સભ્ય ધરાવતા વિશ્વ વેપાર સંગઠનમાં ભારત અને વિયેટનામ બન્ને સભ્યો છે. તેમ જ ભારતનાં 10 રાષ્ટ્રોના બ્લોક ધરાવતા બ્લોક આસિયન (એસોસિયેશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ)સાથે મુક્ત વેપાર કરાર ધરાવે છે. ઉલ્લેખનીય બાબત એ છે કે જાન્યુઆરી, 2010થી વિયેટનામ આસિયન સંગઠનનું સભ્ય છે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ભારત અને વિયેટનામ વચ્ચે ગત નાણાકીય વર્ષ 2023-24માં દ્વિપક્ષીય વેપાર આગાલા નાણાકીય વર્ષનાં 14.7 અબજ ડૉલર સામે વધીને 14.81 અબજ ડૉલરની સપાટીએ રહ્યો હતો. જેમાં ગત નાણાકીય વર્ષમાં થયેલા કુલ દ્વિપક્ષીય વેપારમાં ભારતની વિયેટનામ ખાતે નિકાસ 5.47 અબજની અને આયાત 9.34 અબજ ડૉલરની રહેતા ભારતની વેપાર ખાધ 3.87 અબજ ડૉલરના સ્તરે રહી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button