ચીન, બહેરીન અને થાઈલેન્ડથી થતી ગ્લાસ ફાઈબરની આયાત સામે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ | મુંબઈ સમાચાર
વેપાર

ચીન, બહેરીન અને થાઈલેન્ડથી થતી ગ્લાસ ફાઈબરની આયાત સામે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિકલ્સ સહિતનાં ઘણાં ક્ષેત્રોમાં ઉપયોગમાં આવતા ફાઈબર ગ્લાસની ચીન, બહેરીન અને થાઈલેન્ડથી થતી સસ્તી આયાત સામે સ્થાનિક ઉત્પાદકોનાં હિત જાળવી રાખવા માટે આજે વાણિજ્ય મંત્રાલય હેઠળની તપાસકર્તા એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)એ આગામી પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવાની ભલામણ કરી છે.

ડીજીટીઆરએ હાથ ધરેલી તપાસના અંતે ફલિત થયું હતું કે આ દેશોથી થતી આયાતને સામાન્ય કરતાં નીચા ભાવથી થઈ રહી હોવાથી સ્થાનિકમાં માલનું ડમ્પિંગ થવાથી ઉત્પાદકોનાં હિત નોંધપાત્ર સ્તરે જોખમાઈ રહ્યા હોવાથી ઑથૉરિટીએ ચીન, બહેરીન અને થાઈલેન્ડથી થતી આયાત સામે પાંચ વર્ષ સુધી ટનદીઠ 194થી 394 ડૉલર સુધીની એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવાની ભલામણ કરી હોવાનું એક નોટિફિકેશનમાં જણાવ્યું છે.

આપણ વાંચો: સ્ટીલ પરની 12 ટકા સેફગાર્ડ ડ્યૂટી પર્યાપ્ત, આયાત પડકાર વધશે તો ડ્યૂટી વધારાની માગ કરાશે

નોંધનીય બાબત એ છે કે ડીજીટીઆર દ્વારા ડ્યૂટી લાદવા માટે ભલામણ કરવામાં આવે છે, પરંતુ ડ્યૂટી અંગેનો અંતિમ નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવતો હોય છે.

વધુમાં ડીજીટીઆરએ અન્ય એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ઑથૉરિટીએ એડહેસિવ ઉદ્યોગમાં વપરાતા રસાયણની યુરોપિયન યુનિયન, ઈન્ડોનેશિયા, કોરિયા, મલયેશિયા, તાઈવાન અને અમેરિકાથી થતી આયાત સામે લાદવામાં આવેલી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી જાળવી રાખવા માટેની તપાસ પણ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે

કે આંદ્રા પેટ્રોકેમિકલ્સ લિ. એ યુરોપિયન યુનિયન, ઈન્ડોનેશિયા, કોરિયા, મલયેશિયા, તાઈવાન અને અમેરિકાથી થતી 2-ઈથેલ હેક્સાનોલ પર લાદવામાં આવેલી ડ્યૂટીની પુનઃ સમીક્ષા કરીને એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી જાળવી રાખવા માટેની તપાસ હાથ ધરવા માટે અરજી કરી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button