100 અબજ ડૉલરનો લક્ષ્યાંક હાંસલ કરવા સ્થિર કૃષિ નિકાસ નીતિની આવશ્યકતાઃ આર્થિક સર્વેક્ષણ

નવી દિલ્હીઃ ભારતે કૃષિ નિકાસ વધારવા માટે નીતિઓ સ્થિર રાખવી જોઈએ અને પુરવઠા સ્થિતિને ખંડિત કરતા અને એક વિશ્વસનીય પુરવઠાકાર તરીકે દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવા કામચલાઉ ધોરણે લાદવામાં આવતા વેપાર પ્રતિબંધોને દૂર કરવા જોઈએ, એમ ગત ગુરુવારે આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું.
એકંદરે કૃષિ નિકાસ ઓછા પ્રમાણમાં નિકાસ ક્ષમતા સાથે ઓછા ફળદાયી છે અને ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે લાભ ધરાવે છે. આથી સર્વેક્ષણમાં સ્થાનિક માગ અને નિકાસ વૃદ્ધિને સંતુલિત કરતી નીતિ પર ભાર મૂકવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે ભારતે આગામી ચાર વર્ષમાં કૃષિ, દરિયાઈ ઉત્પાદનો અને ખાદ્ય અને પીણાંઓ સહિતની નિકાસ નાણાકીય વર્ષ 2024-25નાં 51.1 અબજ ડૉલર સામે વધારીને 100 અબજ ડૉલરની સપાટી સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની આંકડાકીય માહિતી અનુસાર મૂલ્યની દૃષ્ટિએ કૃષિ ઉત્પાદનમાં વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતા દેશ ભારતનો વૈશ્વિક કૃષિ નિકાસમાં હાલ માત્ર 2.2 ટકા હિસ્સો ધરાવે છે જે વર્ષ 2000માં 1.1 ટકાનો હતો. નાણાકીય વર્ષ 2019-20 અને વર્ષ 2024-25 દરમિયાન કૃષિ નિકાસનો કમ્પાઉન્ડ ધોરણે વૃદ્ધિદર મર્ચન્ડાઈઝ નિકાસના 6.9 ટકાના દર સામે વધીને 8.2 ટકાના સ્તરે રહ્યો હતો. જોકે, નાણાકીય વર્ષ 2022-23 અને 2024-25 દરમિયાન કૃષિ નિકાસ સ્થિર રહી હતી, જ્યારે વૈશ્વિક કૃષિ વેપાર વર્ષ 2022નાં 2.3 ટ્રિલિયન ડૉલર સામે વર્ષ 2024માં વધીને 2.4 ટ્રિલિયન ડૉલરના સ્તરે રહ્યો હતો.
આપણ વાચો: કૃષિ ખાદ્ય, કૃષિ ટૅક સ્ટાર્ટઅપ્સ અને નિકાસ પ્રોત્સાહિત કરવા અપેડાના પગલાં
છાશવારે નીતિમાં થઈ રહેલા બદલાવને કારણે નિકાસની પુરવઠાચેઈન વિક્ષેપિત થતી હોય છે. તેમ જ તેને કારણે બજારમાં અનિશ્ચિતતા સર્જાતા વિદેશી ખરીદદારો અન્ય સ્રોત તરફ વળી જતાં હોય છે. આથી સર્વેક્ષણમાં ચેતવણી આપવામાં આવી હતી કે એક વખત નિકાસ બજાર ગુમાવ્યા બાદ ફરીથી તેને હાંસલ કરવી બહુ કઠિન હોય છે.
સ્થાનિક સ્તરે ફુગાવો અંકુશમાં રાખવા અથવા તો ભાવ નિયંત્રણમાં રાખવા માટે ભારત અવારનવાર નિકાસ પ્રતિબંધ અથવા તો લઘુતમ નિકાસભાવ લાદતું હોય છે તેને કારણે કામચલાઉ ધોરણે ભાવમાં સ્થિરતા આવતી હોય છે, પરંતુ લાંબાગાળે વિશ્વ બજારમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી હોય છે.
આથી સર્વેક્ષણમાં સ્થાનિકમાં કૃષિ ચીજોની વાજબી ભાવે ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વૈકલ્પિક નીતિગત સાધનોની ભલામણ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને સબસિડીવાળા અનાજનું વિતરણ, બફર સ્ટોકની વ્યવસ્થા, બજારમાં હસ્તક્ષેપ અને સંગ્રહખોરી ડામવાના પગલાં વગેરેનો સમાવેશ થાય છે. સ્થાનિકમાં કૃષિ ચીજોની ઉપલબ્ધિ અને ભાવમાં સ્થિરતા રાખી શકાય છે તેમ જ ખેડૂતોની આવક વધારવા માટે વિશ્વ બજાર પણ ઉપલબ્ધ કરાવી શકાય તેમ હોવાનું સર્વેક્ષણમાં ઉમેર્યું હતું.
વધુમાં સર્વેક્ષણમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25 સુધીના પાંચ વર્ષમાં દેશની કુલ મર્કન્ડાઈઝ નિકાસમાં કૃષિ નિકાસનો હિસ્સો 11થી 14 ટકા જેટલો રહ્યો છે.



