વેપાર કરાર માટે અમેરિકા, યુરોપિયન યુનિયન સાથે સક્રિય વાટાઘાટોઃ ગોયલ

નવી દિલ્હીઃ હાલમાં ભારતની અમેરિકા અને યુરોપિયન દેશો સહિત ઘણાં વેપારી ભાગીદાર દેશો સાથે મુક્ત વેપાર કરાર મટે વાટાઘાટો થઈ રહી હોવાનું કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું આ કરારો દ્વારા ભારત તેના વિશ્વસનીય વેપાર ભાગીદાર દેશો સાથે કાર્ય કરી રહ્યું છે. આપણે વેપારને શસ્ત્ર બનતા જોઈ રહ્યા છે. આથી આપણે વિશ્વભરમાં વિશ્વસનીય ભાગીદારો રાખવાનું મહત્ત્વ જોયુ છે. હાલમાં ભારત વ્યક્તિગત ધોરણે લગભગ 50 રાષ્ટ્રોના જૂથ સાથે વાટાઘાટો કરી રહ્યું હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ભારત ઓમાન સાથે વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યું અને તે જ સમયે બહેરીન અને કતાર પણ વાટાઘાટોમાં પ્રવેશવા માગે છે. આ ઉપરાંત ગલ્ફ કૉઑપરેશન કાઉન્સિલ પણ હવે વાતચીત કરી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: આયાતકારો-નિકાસકારો, સ્ટાર્ટઅપ્સ માટે ટ્રેડ ઈન્ટેલિજન્સ પોર્ટલ નવી દિશા ખોલશેઃ ગોયલ
અત્રે ફિક્કીની વાર્ષિક સામાન્ય સભામાં તેમણે જણાવ્યું હતું કે અમે 27 દેશોના સમૂહ યુરોપિયન યુનિયન અને યુએસએ સાથે તેમ જ ન્યૂઝીલેન્ડ સાથે સક્રિયપણે વાટાઘાટો કરી રહ્યા છીએ અને આસિયન તથા કોરિયા સાથે થયેલા મુક્ત વેપાર કરારમાં વધુ સમતુલન માટે સમીક્ષા કરી રહ્યા છીએ.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગઈકાલે અથવા તો પરમ દિવસે યુરેશિયાએ વાટાઘાટો શરૂ કરી હોવાથી અમે તેમની સાથે પણ કાર્ય કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ઈઝરાયલ સાથે વાટાઘાટો શરૂ થશે. કેનેડા અને ભારત આગામી સપ્તાહે કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટર્નરશિપ એગ્રીમેન્ટ થવાની શક્યતા છે. તેમ જ સાઉથ આફ્રિકા કસ્ટમ યુનિયન અને મર્કોસર ગ્રૂપે પણ વાટાઘાટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.



