સરકારની રૂ. 45,000 કરોડની સ્કીમથી નિકાસને વેગ મળશે અને સ્પર્ધાત્મકતા વધશેઃ નિકાસકારો

નવી દિલ્હીઃ તાજેતરમાં સરકારે નિકાસકારો માટે મંજૂર કરેલી રૂ. 45,000 કરોડના યોજનાકીય ખર્ચ સાથેની સ્કીમથી ઉદ્યોગને પોસાણક્ષમ ફાઈનાન્સ ઉપલબ્ધ થવાની સાથે તેના અનુપાલનની જટીલતા ઘટશે અને બ્રાન્ડિંગ વચ્ચેના અંતરાયો દૂર કરવામાં સહાયક થશે, એમ નિકાસકારો જણાવે છે.
નિકાસકારોના મતાનુસાર રૂ. 25,000 કરોડનાં ભંડોળ સાથેનાં એક્સપોર્ટ પ્રમોશન મિશન અને રૂ. 20,000 કરોડની ક્રેડિટ ગૅરૅન્ટી સ્કીમ ભારતની નિકાસયંત્રણાને વેગ આપવાની સાથે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. સીઆઈઆઈઆઈની નિકાસ પરની રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ અને પેટ્ટોન ઈન્ટરનેશનલનાં મેનેજિંગ ડિરેક્ટર સંજય બુધિયાએ જણાવ્યું હતું કે આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ સૌપ્રથમ શ્રમલક્ષી ક્ષેત્રના નિકાસકારો અને એમએસએમઈને સક્ષમ બનાવવાનો છે જેથી વૈશ્વિક વેપારની અનિશ્ચિતતા વચ્ચે સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત થાય.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નાણાકીય અને બિન નાણાકીય હસ્તક્ષેપોને એકીકૃત કરવામાં આવતા લાંબા સમયના પડકારોનો સામનો કરી શકાશે. જેમ કે રાહતનાં દરથી નાણાવ્યવસ્થા, અનુપાલન અંગેની જટીલતાઓ અને બ્રાન્ડિંગ અંતરાયો દૂર કરીને નવી તકો ખુલશે. હાલની વેપાર પ્રણાલીઓ સાથે ડિજિટલ એકીકરણનો નિકાસકારને અનુભવ થશે, દસ્તાવેજી કાર્યવાહી ઘટશે, ઝડપી વિતરણને સક્ષમ બનાવાશે અને સંકલનમાં વધારો થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: અમેરિકા-ચાઈના ટ્રેડ વૉરથી ભારતીય નિકાસકારોને લાભ થવાની શક્યતાઃ નિષ્ણાતો
ઉક્ત મંતવ્યને સમર્થન આપતા હોય તેમ એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઉપાધ્યક્ષ એ શક્તિવેલે જણાવ્યું હતું કે આ પગલાંઓ ઉદ્યોગને વર્તમાન સમયના પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થશે. તેમ જ નાણાકીય સુવિધા સરળ થતાંં બજારમાં સુધારો આવશે અને ભારતની નિકાસ અર્થયંત્રણા મજબૂત થશે સાથે સાથે મોટી માત્રામાં રોજગારનું સર્જન થવાથી એકંદરે ભારતની આર્થિક વૃદ્ધિને ટેકો મળશે.
ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિઓ)ના પ્રમુખ એસ સી રલ્હને જણાવ્યું હતું કે વૈશ્વિક વેપારમાં ગતિશીલતા માટે આ મિશન જરૂરી એવું સાતત્ય, સુગમતા અને પ્રતિભાવ પ્રદાન કરે છે અને તેમાં પણ ખાસ કરીને પોસાણક્ષમ ફાઈનાન્સ માટે ઝઝૂમતા એવા એમએસએમઈને પ્રબળ ટેકો પૂરો પાડશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નિકાસકારો માટેની ક્રેડિટ ગૅરૅન્ટી સ્કીમ માત્ર કોલેટરલ મુક્ત ધિરાણ પૂરું નહીં પાડે, પરંતુ વધારાની નાણાકીય પ્રવાહિતા પણ પૂરી પાડશે જે આજના સમયની તાતી જરૂરિયાત છે.



