ભારતનાં 10 ટ્રિલ્યન ડૉલરના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્ર બમણું એક ટ્રિલ્યન ડૉલરનું થવુ જરૂરીઃ નિષ્ણાતો

નવી દિલ્હીઃ આગામી વર્ષ 2047 સુધીમાં દેશનાં અર્થતંત્રને 10 ટ્રિલ્યન ડૉલરનું બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે ભારતનું હાલનું કૃષિ ક્ષેત્રનું કદ બમણું થઈને એક ટ્રિલ્યન ડૉલરનું થવું જરૂરી હોવાનું ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું છે.
દેશની કુલ રોજગારીમાં કૃષિ ક્ષેત્ર 46 ટકા જેટલો હિસ્સો ધરાવે છે, પરંતુ તેનું મૂલ્યવર્ધન કુલ જીડીપી અથવા તો કુલ સ્થાનિક ઉત્પાદનનાં અંદાજે 15 ટકા જેટલું ઓછું રહે છે. જે નીતિવિષયક સુધારા અને ખાનગી રોકાણમાં વધારો કરવાની આવશ્યકતા પર ભાર મૂકવાનો નિર્દેશ આપે છે.
જો આપણે 10 ટ્રિલ્યન ડૉલરના અર્થતંત્રનો લક્ષ્યાંક હાંસલ કરવો હોય તો કૃષિ ક્ષેત્રનો હાલનો હિસ્સો જે અંદાજે 450 અબજ ડૉલરનો છે તે વધારીને એક ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચાડવો પડે, એમ કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડ્સ્ટ્રીઝની કૃષિ પરની નોર્ધર્ન રિજિનલ કમિટીનાં ચેરમેન અજય રાણાએ અત્રે યોજાયેલ ઉદ્યોગના એક પ્રસંગમાં જણાવ્યું હતું.
આપણ વાચો: કૃષિ ક્ષેત્રમાં મૂડી રોકાણ વધારવાની જરૂર છે, મુખ્ય પ્રધાન ફડણવીસ કહે છે; જૂથ ખેતીની ભલામણ કરી
નોંધનીય બાબત એ છે કે તેઓ ફેડરેશન ઑફ સિડ ઈન્ડસ્ટ્રી ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ પણ છે. તેમણે નિર્દેશ આપ્યો હતો કે ભારતે હાઈબ્રિડ મકાઈને અપનાવતા બે દાયકામાં ઉત્પાદન વૃદ્ધિ જે 15થી 20 ટકા હતી તે વધીને 90 ટકા થઈ છે જે દર્શાવે છે કે ટેક્નોલૉજીને નીતિવિષયક ટેકો મળે તો ઉત્પાદકતા વધી શકે છે. જોકે, રાજ્ય સ્તરની અસંગત નીતિઓ અને પાકની ટેક્નોલૉજી પરનાં પ્રતિબંધો આ ક્ષેત્રમાં રોકાણ અવરોધી રહ્યા છે.
`પૉલિસી રિફોર્મ ટૂ ડ્રાઈવ ગ્રોથ ઈન એગ્રિકલ્ચર’ વિષય પર યોજાયેલા આ પરિસંવાદનું આયોજન સીઆઈઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય આશય નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગના અગ્રણીઓ અને વૈજ્ઞાનિકો સુધારા અંગે ચર્ચા કરી શકે.
વધુમાં નિષ્ણાતોએ વિજ્ઞાન આધારીત નીતિ વિષયક માળખાની અને કેન્દ્ર તથા રાજ્યોના નિયમોનો સુમેળ સાધવા તથા બિયાંરણ અને પારની સલામતીના ઉત્પાદનો માટે સમય મર્યાદાઓ અને મંજૂરીઓ રજૂ કરવા રાષ્ટ્રીય કૃષિ ટેક્નોલૉજી કાઉન્સિલની રચના કરવાની હાકલ કરી હતી.
આ ઉપરાંત ફેડરેશન ઑફ સિડ ઈન્ડસ્ટ્રી ઑફ ઈન્યિના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર રાઘવન સંપથકુમારે સક્રિયતાનો પ્રભાવ, છાશવારે અથવા તો કામચલાઉ ધોરણે થતાં વિક્ષેપો અને કાયદાઓનું મનસ્વી અર્થઘટન સુધારા સામેનાં મુખ્ય ત્રણ અંતરાયો હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે વિજ્ઞાને સંવેદના પર વિજય મેળવવો જ જોઈએ. વૈજ્ઞાનિક આધાર વિના સક્રિયતા અથવા તો અચાનક રાજ્ય સ્તરીય પ્રતિબંધો દ્વારા નીતિગત નિર્ણયો નક્કી નથી કરી શકાતા.



