વેપાર

સ્થાનિક ચાંદીમાં રૂ. ૨૯૧૨નો ચમકારો, શુદ્ધ સોનું રૂ. ૧૨૪૩ ઝળકીને રૂ. ૭૩,૦૦૦ની પાર

રેટ કટનો આશાવાદ પ્રબળ: વૈશ્ર્વિક સોનામાં વિક્રમ સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે તાજેતરમાં જાહેર થયેલા ક્ધઝ્યુમર અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટા ફેડરલ રિઝર્વ દ્વારા આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતા દર્શાવી રહ્યા હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ વધીને એક તબક્કે ઔંસદીઠ ૨૫૭૦.૦૬ ડૉલરની નવી વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, ત્યાર બાદ ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૩૮થી ૧૨૪૩નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. ૭૩,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૯૧૨ની તેજી સાથે રૂ. ૮૬,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૯૧૨ વધીને રૂ. ૮૬,૧૦૦ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૩૮ વધીને રૂ. ૭૨,૭૫૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૨૪૩ વધીને રૂ. ૭૩,૦૪૪ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હતી.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકાનાં આર્થિક ડેટાઓ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કપાતની શક્યતા દર્શાવી રહ્યા હોવાથી તેમ જ અમેરિકાની ચૂંટણીના પરિણામોની અવઢવ વચ્ચે સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતા હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૮ ટકા વધીને ઔંસદીઠ ૨૫૬૫.૮૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫૮ ટકા વધીને ૨૫૯૫.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૩ ટકા વધીને ઔંસદીઠ ૨૯.૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના જોબલેસ ડેટા પર સ્થિર થઈ હોવાથી અમુક અંશે નવી લેવાલીમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વ આગામી બેઠકના અંતે વ્યાજદરમાં કાપ મૂકશે તેવું નિશ્ર્ચિત જણાઈ રહ્યું છે, પરંતુ કેટલી માત્રામાં અર્થાત્ ૨૫ બેસિસ પૉઈન્ટ અથવા ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકશે તે અંગે અવઢવ પ્રવર્તી રહી છે. જો આજે જાહેર થનારા ડેટામાં રોજગારી ભથ્થુ મેળવવા માટેની અરજીની સંખ્યામાં બજારની અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળશે તો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તેમ છતાં આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૫૮ ટકા અને ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૪૨ ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં ઉત્તર અમેરિકા સ્થિત સિટી રિસર્ચનાં કૉમૉડિટી વિભાગના હેડ આકાશ દોશીએ જણાવ્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા થનારી વ્યાજદરમાં કપાતને ધ્યાનમાં લેતા વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૬૦૦ ડૉલર અને વર્ષ ૨૦૨૫ના મધ્ય સુધીમાં ભાવ ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button