સોનામાં રૂ. ૫૭નો અને ચાંદીમાં રૂ. બે નો મામૂલી સુધારો

અક્ષય તૃતિયાનાં સપરમાં દહાડે માગ ખૂલવાનો આશાવાદ
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાનાં અહેવાલ ઉપરાંત આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પણ સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હોવાથી ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. બેનો સાધારણ સુધારો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ છૂટીછવાઈ ખપપૂરતી જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. બેના સાધારણ સુધારા સાથે રૂ. ૮૧,૬૬૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહક તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭ના સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૪૩૮ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૭૨૫ના મથાળે રહ્યા હતા. જોકે, આગામી ૧૦મી મેના રોજ સોનાની ખરીદી માટે શુકનવંતા ગણાતા તહેવાર અક્ષય તૃતિયા અથવા તો અખાત્રીજનાં રોજ માગ ખૂલે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
દરમિયાન ગઈકાલે મિનિયાપોલિસ ફેડનાં પ્રમુખ નીલ કશ્કરીએ વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા વ્યક્ત કરતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જનાં કૉમૅક્સ વિભાગ ખાતે સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૯ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૧૧.૭૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩૯ ટકા વધીને ૨૩૨૪.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૬ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૭.૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ગત સપ્તાહે અમેરિકાનાં જોબ ડેટા નબળા આવ્યા હોવાથી તેમ જ તે પહેલા એપ્રિલ મહિનાના ફુગાવમાં પણ વધારો થયો હોવાથી બજાર વર્તુળોમાં ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ સપાટી પર આવ્યો હતો, પરંતુ ગઈકાલનાં મિનિયાપોલિસ ફેડનાં પ્રમુખનાં નિવેદનને ધ્યાનમનાં લેતાં સોનાના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું