સોનામાં રૂ. ૨૭૬નો અને ચાંદીમાં રૂ. ૧૩ ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૫થી ૨૭૬નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૩નો સાધારણ ઘસરકો આવ્યો હતો.
આ પણ વાંચો: ફેડરલના રેટ કટના સંકેતે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૬૫નો અને ચાંદીમાં ₹ ૨૦૮નો સુધારો
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૫ ઘટીને રૂ. ૬૮,૬૩૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૭૬ ઘટીને રૂ. ૬૯,૧૮૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ચાંદીમાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૩ના સાધારણ ઘસરકા સાથે રૂ. ૭૯,૧૪૫ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩૯૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧૪ ટકા વધીને ૨૪૩૫.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૪ ટકા વધીને ઔંસદીઠ ૨૭.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૩ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યો હતો તેમ જ અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ પણ વધી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
આ પણ વાંચો: ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએથી ૧૮ પૈસા ઊંચકાયો
હાલમાં સોનાના વૈશ્વિક ભાવ પર વૈશ્વિક બજારોના પરિબળોની અને તેમાં પણ ખાસ કરીને વિનિમય બજારનાં પરિબળોની વધુ અસર રહેતાં ભાવમાં વધુ ચંચળતા જોવા મળી રહી હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્ર્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું. જોકે, આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું કે હાલમાં સોનાને મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા તણાવ અને વૈશ્વિક આર્થિક મંદીના તોળાઈ રહેલા જોખમનો ટેકો મળી રહ્યો છે. હવે બજાર વર્તુળો અમેરિકાની આર્થિક સ્થિતિનો તાગ લેવા માટે વધુ ડેટાની રાહ જોઈ રહ્યા છે.
વધુમાં આજે અમેરિકાએ ઈરાન અને ઈઝરાયલને મધ્યપૂર્વમાં વિવાદ ન વધારવા માટે અનુરોધ કર્યો હોવાના અહેવાલ હતા. જોકે, ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી ૬૫ ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર વ્યક્ત થઈ રહી છે.