સોનામાં રૂ. ૨૭૦નો ચમકારો, ચાંદી રૂ. ૫૯૧ વધીને રૂ. ૯૧,૦૦૦ની પાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં રોજગારીનાં ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવમાં વધીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારનાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં આગેકૂચ જળવાઈ રહેતાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૯થી ૨૭૦ વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. ૭૩,૦૦૦ની સપાટીની લગોલગ પહોંચ્યા હતા, તેમ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૫૯૧ વધીને રૂ. ૯૧,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
આ પણ વાંચો: અમેરિકાના આર્થિક ડેટાઓ નબળા આવતાં વ્યાજદરમાં કપાતના આશાવાદે સોનામાં વન વૅ તેજી
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૯૧ના ચમકારા સાથે રૂ. ૯૧,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૯૧,૩૦૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૯ વધીને રૂ. ૭૨,૬૧૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૭૦ વધીને રૂ. ૭૨,૯૧૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
અમેરિકા ખાતે બેરોજગારીનો દર વધીને અઢી વર્ષની ઊંચી ૪.૧ ટકાની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ સાથે ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોના અને ચાંદીના ભાવ ઉછળીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં હાજરમાં ભાવ આગલા બંધ સામે ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૭૭.૭૫ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૫ ટકા ઘટીને ૨૩૮૫.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૩૦.૯૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો: ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો
એકંદરે સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યા બાદ આજે સવારના સત્રમાં નફારૂપી વેચવાલી જોવા મળી હોવાનું કેપિટલ ડૉટ કૉમનાં વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કપાતની ૭૮ ટકા શક્યતા અને વ્યાજદરમાં બીજી કપાત ડિસેમ્બરમાં જોઈ રહ્યા છે. જોકે, હવે રોકાણકારોની નજર આ સપ્તાહમાં ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં અમેરિકી કૉંગ્રેસનલના ટેસ્ટીમનીમાં તેમના વક્તવ્ય પર અને ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે.