વેપાર

સોનામાં રૂ. ૧૯૨ની આગેકૂચ, ચાંદી રૂ. ૪૩૭ની તેજી સાથે રૂ. ૭૪,૦૦૦ની પાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં વર્ષ ૨૦૨૪નો આરંભ સુધારાના અન્ડરટોને થયો હોવાના નિર્દેશ હતા. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલરમાં આયાતકારોની માગને ટેકે રૂપિયો ૧૨ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૨ની આગેકૂચ જોવા મળી હતી. તેમ જ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૩૭ વધીને રૂ. ૭૪,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૩૭ વધીને રૂ. ૭૪,૧૪૨ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રૂપિયો નબળો પડવાને કારણે આયાત પડતરો વધી આવતા મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૨ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૩,૨૯૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૩,૫૪૪ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સોનામાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગત કૅલૅન્ડર વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક સોનાના ભાવમાં ૧૩ ટકાની તેજી રહ્યા બાદ ગઈકાલની ખ્રિસ્તી નવાં વર્ષની રજા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૭ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૦૭૬.૧૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાતના સંકેતો સાથે ગત નવેમ્બર મહિનામાં સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં એક અબજ ડૉલરનો આંતરપ્રવાહ જોવા મળ્યો હતો. વધુમાં જે. પી. મોર્ગને અપેક્ષિત વ્યાજદરમાં કપાતને ધ્યાનમાં લેતા વર્ષ ૨૦૨૪ના મધ્ય સુધીમાં સોનામાં બ્રેક આઉટ રેલી સાથે ભાવ વધીને ઔંસદીઠ ૨૩૦૦ ડૉલર સુધી પહોંચવાની અને યુબીએસએ વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં ભાવ ઔંસદીઠ ૨૧૫૦ ડૉલર સુધી પહોંચવાની ધારણા વ્યક્ત કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…