વેપાર અને વાણિજ્ય

સોનામાં નીચા મથાળેથી માગનો ચમકારો છતાં ભાવમાં ભારે ચંચળતાથી ખરીદદારો અવઢવમાં

કોમોડિટી -રમેશ ગોહિલ

ગત ૨૩મી જુલાઈના રોજ સરકારે સોના પરની આયાત જકાતમાં ઘટાડો કર્યા બાદ સ્થાનિક સ્તરે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં આગલા સપ્તાહથી શરૂ થયેલો રિટેલ સ્તરની માગનો સળવળાટ ગત સપ્તાહ દરમિયાન પણ જળવાઈ રહ્યો હતો. તેમ છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગત સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ભારે ચંચળતા અથવા તો ભાવ બેતરફી વધઘટે અથડાઈ રહ્યા હોવાથી સ્થાનિક સ્તરે પણ અમુક ખરીદદારોએ ખરીદી મોકૂફ રાખી હતી.

એકંદરે સ્થાનિક સ્તરે રિટેલ સ્તરની માગ ઊંચી ભાવસપાટીને કારણે દબાણ હેઠળ રહી હતી અને ખરીદદારો ભાવઘટાડાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને ડ્યૂટી ઘટાડાને પગલે ભાવમાં કરેક્શન પણ જોવા મળ્યું અને લેવાલી પણ નીકળી હતી. જોકે, ગત સપ્તાહે વૈશ્ર્વિક સ્તરે ભાવમાં થઈ રહેલી મોટી વધઘટને કારણે ખરીદદારો અવઢવમાં પણ મુકાઈ ગયા હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે સ્થાનિકમાં ગત ૨૫મી જુલાઈએ સોનાના ભાવ ઘટીને ચાર મહિનાની નીચી ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૭,૪૦૦ સુધી પહોંચ્યા હતા તેની સામે ગત શુક્રવારે ભાવ રૂ. ૬૯,૬૦૦ આસપાસની સપાટીએ રહ્યા હતા.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન તરફથી પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભમાં હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત બીજી ઑગસ્ટના રૂ. ૭૦,૩૯૨ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. ૬૯,૬૯૯ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૬૮,૮૪૩ અને ઉપરમાં ખૂલતી જ રૂ. ૬૯,૬૯૯ની સપાટીએ રહ્યા બાદ અંતે રૂ. ૬૯,૬૬૩ના મથાળે બંધ રહ્યા હતા.

આમ ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨૯ અથવા તો ૧.૦૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. એકંદરે સપ્તાહ દરમિયાન નીચા મથાળેથી રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની માગનો ટેકો મળતાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ નવ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઓફર કરી રહ્યા હતા.

નવી દિલ્હી સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે આગામી તહેવારોની મોસમ પૂર્વેજ ભાવમાં કરેક્શન આવ્યું હોવાથી તહેવારોના સમયગાળામાં માગ જળવાઈ રહેશે તેમ જ મુંબઈ ખાતેનાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શૉમાં પણ સારા ઓર્ડરો અંકે થવાનો આશાવાદ સેવાઈ
રહ્યો છે.

ગત સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈ અને સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૩૦.૯૩ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે ડિસેમ્બર વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૩૦ ટકા વધીને ૨૪૭૦.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, સપ્તાહ દરમિયાનની બેતરફી વધઘટના માહોલમાં અંતે હાજર ભાવમાં સાપ્તાહિક ધોરણે ૦.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સોમવારે વિશ્ર્વભરની ઈક્વિટી સહિતની તમામ બજારોમાં ફંડોનું વેચવાલીનું વ્યાપક દબાણ હોવાથી સોનાના ભાવમાં ત્રણ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. એકંદરે હાલની વૈશ્ર્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આગામી મધ્યમ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં મક્કમથી સુધારાતરફી વલણ જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરતાં ઓએએનડીએના એનાલિસ્ટ ઝેઈન વાવડાએ જણાવતાં ઉમેર્યું હતું કે અગાઉ અમેરિકાના બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજીની સંખ્યામાં ઘટાડો થતાં અમેરિકામાં મંદીની ભીતિ દૂર થવાની સાથે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતનાં અણસારો મળી રહ્યા હોવાથી સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો છે. ગત સપ્તાહના અંતે વિશ્ર્વના મુખ્ય ચલણો સામે ડૉલર ઈન્ડેક્સ ૦.૧ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ ઘટાડો આવતાં વૈશ્ર્વિક સોનામાં મક્કમ વલણ જળવાઈ રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અમેરિકી ફેડરલ રિઝર્વનાં નીતિઘડવૈયાઓ સતત વિશ્ર્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે ફુગાવો શાંત પડી રહ્યો છે, જે વ્યાજદરમાં કપાત માટે પર્યાપ્ત હોવાનું જણાવતા ઉમેરે છે કે તેઓ વ્યાજદરમાં કપાતના સમય અને કપાતની માત્રા માટે તેઓ માત્ર અને માત્ર આર્થિક ડેટા ધ્યાનમાં લઈ રહ્યા છે શૅરબજારના કડાકાને નહીં, એમ ગત સપ્તાહે નીતિ ઘડવૈયાઓએ જણાવ્યું હતું.

જોકે, હવે રોકાણકારોની નજર વ્યાજદરમાં કપાત માટે મુખ્ય પરિબળ ગણાતા ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સનાં આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાના ડેટા પર સ્થિર થઈ છે.

તેમ છતાં સાક્સો બૅન્કનાં કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગનાં હેડ ઓલે હસને ગત સપ્તાહે એક નોટ્સમાં જણાવ્યું હતું કે વિશ્ર્વભરમાં કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં સોનામાં સલામતી માટેની માગનો ટેકો સતત મળતો રહેશે અને તેમાં પણ જો ફેડરલ રિઝર્વ વહેલામાં વહેલા આગામી મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકશે તો સોનામાં એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડો મારફતે આંતરપ્રવાહમાં વધારો જોવા મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ એડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકના મતાનુસાર આગામી સપ્તાહે વૈશ્ર્વિક સોનાના ભાવ માટે ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૨૫૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૮,૦૦૦થી ૭૧,૦૦૦ની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી… આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે