શિકાગો પાછળ સોયા રિફાઈન્ડમાં સુધારો
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૧ સેન્ટનો અને ૧૩ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૪૮ રિંગિટનો સુધારો આવ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં માત્ર સોયા રિફાઈન્ડના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો, જ્યારે અન્ય આયાતી તેલમાં પાંખાં કામકાજો વચ્ચે ટકેલું વલણ રહ્યું હતું.
વધુમાં આજે સૌરાષ્ટ્રના મથકો પરના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં દેશી તેલમાં કપાસિયા રિફાઈન્ડના ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ વધી આવ્યા હતા, જ્યારે સિંગતેલ અને સરસવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં દિવાળીના તહેવારોના માહોલમાં એકંદરે કામકાજો ખપપૂરતા મર્યાદિત રહ્યા હોવાનું સૂત્રોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં અલાના અને ગોલ્ડન એગ્રીના રૂ. ૧૩૨૦ અને રૂચીના રૂ. ૧૩૧૫ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ રહ્યો હતો. આજે સ્થાનિકમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૩૧૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૦૦, સન રિફાઈન્ડના રૂ. ૧૩૩૦, સિંગતેલના રૂ. ૧૫૬૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૦૦ અને સરસવના રૂ. ૧૩૯૦ના મથાળે રહ્યા હતા.