ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી નીકળતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો. તેમ જ તેની આગેવાની હેઠળ કોપરની વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટો ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી પાંચનો સુધારો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી લેવાલી નીકળવાની સાથે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦ વધીને અનુક્રમે રૂ. ૨૧૮૭ અને રૂ. ૧૫૮૦ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૭૨૮, કોપર ક્ેબલ સ્ક્રેપ અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને અનુક્રમે રૂ. ૬૯૪ અને રૂ. ૬૭૨, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૬૮૩, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૬૪૦ અને રૂ. ૨૨૪ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ તથા લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૨૦૯ અને રૂ. ૧૮૯ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં કામકાજો પાંખાં રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૪૯૫, રૂ. ૪૬૩ અને રૂ. ૧૬૪ના મથાળે ટકેલા રહ્યાં હતાં.