ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં પડતરોમાં વધારો થવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારો આવ્યાના અહેવાલોને ધ્યાનમાં લેતાં આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮ અને રૂ. ૧૦ વધી આવ્યા હતા. આ સિવાય કોપરની અમુક વેરાઈટી, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ચારનો સુધારો આવ્યો હતો. જોકે, આજે એકમાત્ર બ્રાસ શીટ કટિંગ્સમાં નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. બે ઘટી આવ્યા હતા અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં ખાસ કરીને ટીન અને નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮ વધીને રૂ. ૨૪૭૪ અને રૂ. ૧૦ વધીને રૂ. ૧૪૩૭ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું