વિશ્ર્વ બજાર પાછળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે વ્યાજદર યથાવત્ રાખ્યા હોવાના નિર્દેશો સાથે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ઝિન્ક, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને કોપરની અમુક વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટો ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી પાંચનો સુધારો આવ્યો હતો, જ્યારે ટીન અને નિકલમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦ અને રૂ. ત્રણનો ઘટાડો આવ્યો હતો તથા અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
અમેરિકન અર્થતંત્રમાં સુધારો જળવાઈ રહેવાની સાથે ફુગાવો પણ નિયંત્રણ હેઠળ રહ્યો હોવાથી વ્યાજદર યથાવત્ રાખવામાં આવ્યા હોવાનું ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે જણાવતાં હવે વ્યાજદર વધારાની સાઈકલનો અંત આવ્યો હોવાની શક્યતાને ધ્યાનમાં લેતા આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળવાની સાથે ચીનની સરકારે એક ટ્રિલિયન યુઆનના બૉન્ડ જારી કરવાની મંજૂરી આપી હોવાના અહેવાલે આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ટનદીઠ ૮૧૪૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય ઝિન્કના ભાવ એક ટકો, લીડના ભાવ ૦.૫ ટકા, ટીનના ભાવ ૦.૩ ટકા અને નિકલના ભાવ ૦.૧ ટકા જેટલા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા.
આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ધાતુ બજારમાં ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૨૨૫, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૭૨૫, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૬૭૩ અને કોપર કેબલ સ્ક્રેપ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને અનુક્રમે રૂ. ૬૯૪ અને રૂ. ૬૪૧ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે સતત ત્રીજા સત્રમાં ટીન અને નિકલમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦ ઘટીને રૂ. ૨૧૪૦ અને રૂ. ત્રણ ઘટીને રૂ. ૧૫૫૦ના મથાળે રહ્યા હતા. આ સિવાયની તમામ ધાતુઓમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.