ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ સુધારો, નિકલમાં ₹ ૧૨ તૂટ્યાં

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવા આશાવાદ સાથે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાના નિર્દેશો સાથે વિવિધ ધાતુઓના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો હોવાથી આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે પણ કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમની અમુક વેરાઈટીઓ, ઝિન્ક સ્લેબ, લીડ ઈન્ગોટ્સ અને ટીનમાં કિલોદીઠ રૂ. એકથી ૨૧નો સુધારો આગળ ધપ્યો હતો. જોકે, આજે એકમાત્ર નિકલમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨નો ઘટાડો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સપ્તાહના અંતે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે જે ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં મુખ્યત્વે ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૨૧ વધીને રૂ. ૨૭૩૯, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૨૭૩, કોપર વાયરબાર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીનેે અનુક્રમે રૂ. ૮૩૨ અને રૂ. ૨૩૩, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૫૬૦ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૯૪, રૂ. ૭૭૪ અને રૂ. ૧૯૧ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨ ઘટીને રૂ. ૧૩૬૫ના મથાળે રહ્યા હતા, જ્યારે કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૭૯૪, રૂ. ૭૭૪ અને રૂ. ૧૯૧ના મથાળે ટકેલા રહ્યા હતા.