ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની અમુક ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૩ વધી આવ્યા હતા.
વધુમાં ટીનની આગેવાની હેઠળ કોપર, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં પણ સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી છ સુધીનો સુધારો જોવા મળ્યો હતો, જોકે, આજે નિરસ માગે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલમાં અનુક્રમે કિલોદીઠ રૂ. બે અને રૂ. એકનો ઘટાડો આવ્યો હતો, જ્યારે બ્રાસ શીટ કટિંગ્સમાં ટકેલું વલણ રહ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતાં કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા ઘટીને ટનદીઠ ૯૫૮૧.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૩ વધીને રૂ. ૨૭૩૯ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.
જેમાં કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. છ વધીને અનુક્રમે રૂ. ૮૫૮ અને રૂ. ૩૦૦, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને અનુક્રમે રૂ. ૮૦૧ અને રૂ. ૭૯૨, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૭૭૯, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૩૪ અને રૂ. ૨૪૭ તથા લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૧૮૬ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલમાં નિરસ માગ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૫૧૮ અને રૂ. એક ઘટીને રૂ. ૧૪૦૨ના મથાળે રહ્યા હતા, જ્યારે બ્રાસ શીટ કટિંગ્સ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૭૩ અને રૂ. ૧૯૮ના મથાળે ટકેલા રહ્યા હતા.