નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતાં આજે સ્થાનિકમાં માગ અનુસાર વિવિધ ધાતુઓના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને નિકલ અને કોપર કેબલ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦ અને રૂ. ચારનો અને કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકથી બે વધી આવ્યા હતા. આ સિવાય આજે ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવ કિલોદીઠ રૂ. આઠ ઘટી આવ્યા હતા. તેમ જ નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબમાં કિલોદીઠ રૂ. એકથી બેનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં મુખ્યત્વે નિકલ અને કોપર કેબલ સ્ક્રેપમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦ વધીને રૂ. ૧૪૩૦ અને રૂ. ચાર વધીને રૂ. ૭૨૦ના મથાળે રહ્યા હતા. આ સિવાય વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૭૧૦ અને કોપર આર્મિચર તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૬૯૬ અને રૂ. ૨૧૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. આઠ ઘટીને રૂ. ૨૨૦૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૬૬૦ અને રૂ. ૫૦૯ અને કોપર વાયરબાર તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૭૬૪ અને રૂ. ૨૩૪ના મથાળે રહ્યા હતા.