નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈને ધ્યાનમાં લેતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની અમુક ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૬ વધી આવ્યા હતા. તેમ જ નિકલની આગેવાની હેઠળ કોપરની વેરાઈટીઓ, બ્રાસ શીટ કટિંગ્સ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટો અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકથી આઠ વધી આવ્યા હતા. જોકે, આજે માત્ર ટીન અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને નિરસ માગે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ચાર અને રૂ. એકનો ઘટાડો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં ખાસ કરીને નિકલમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૬ વધીને રૂ. ૧૪૩૮ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. ૭૫૪, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૭૦૯, રૂ. ૭૦૦ અને રૂ. ૬૮૮, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૫૦૩ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૫૦૩ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે સતત છઠ્ઠા સત્રમાં ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને નિરસ માગ રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. ચાર ઘટીને રૂ. ૨૦૯૩ના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ચાર સત્રમાં ટીનના ભાવમાં કિલોદીઠ રૂ. ૮૫નો ઘટાડો આવી ગયો છે. આ સિવાય આજે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૨૦૫ના મથાળે રહ્યા હતા અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.