રૂપિયો ગબડતાં સોનામાં ₹ ૧૦૦નો અને ચાંદીમાં ₹ ૭૮૯નો સુધારો
ફેડરલ દ્વારા મોટા રેટ કટની શક્યતા ધૂધળી બનતાં વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોનો નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં ૫૦ બેસિસ પૉઈન્ટ જેટલો મોટો કાપ મૂકે તેવી શક્યતા ધૂંધળી બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૫ પૈસા જેટલો કડાકો બોલાઈ ગયો હોવાથી સ્થાનિકમાં આયાત પડતરોમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૯થી ૧૦૦નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૭૮૯નો સુધારો જોવા મળ્યો હતો. ગઈકાલની ગાંધી જયંતીની જાહેર રજા બાદ આજે વૈશ્ર્વિક સોનામાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૯ વધીને રૂ. ૭૫,૩૧૨ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૦૦ વધીને રૂ. ૭૫,૫૧૫ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. વધુમાં આજે ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે હાજરમાં ભાવ આગલા બંધ સામે કિલોદીઠ રૂ. ૭૮૯ વધીને રૂ. ૯૦,૬૭૧ના મથાળે રહ્યા હતા. વૈશ્ર્વિક સ્તરે હાલમાં રોકાણકારોની નજર અમેરિકાના આઈએસએમ સર્વિસીસ ડેટા અને નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પર સ્થિર થઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા આજે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૫ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૬૪૫.૩૮ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ૨૬૬૫.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૪૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કપાત માટે મુખ્યત્વે રોજગારીના ડેટા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે તેમ હોવાથી રોકાણકારોની મીટ રોજગારીના ડેટા પર મંડાયેલી છે. જોકે, ગત બુધવારે જાહેર થયેલા સપ્ટેમ્બર મહિનાના ખાનગી રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી રોજગારી ક્ષેત્રમાં સ્થિતિ વધુ ખરડાતી અટકી હોવાનું જણાયું હોવા છતાં આવતીકાલે નોન ફાર્મ પૅ રૉલ ડેટા કેવા આવે છે તેના પર બજાર વર્તુળોની નજર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા જે ગઈકાલે ૪૯ ટકા દર્શાવાઈ રહી હતી તે આજે ઘટીને ૩૭ ટકા દર્શાવાઈ રહી છે, જ્યારે ૨૫ બેસિસ પૉઈન્ટની કપાતની શક્યતા ૬૩ ટકા બજાર વર્તુળો જોઈ રહ્યા છે.